મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે બાઇક ઉપર દૂધ લેવા જઈ રહેલા ૨૧ વર્ષીય યુવકને ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપ અને ગફલતભરી રીતે ચલાવી બાઇકને પાછળથી હડફેટે લેતાં યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો. હાલ મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે.
અકસ્માત અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામની સીમમાં ઝૂંપડાના રહેતા મૂળ મહીસાગર જીલ્લાના ઉબેર ગામના વતની લક્ષ્મણભાઇ કોયાભાઇ ડીડોંર ઉવ.૩૩ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક રજી.નં. આરજે-૫૨-જીબી-૬૭૭૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૭/૧૧ના સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં ફરીયાદીના નાનાભાઈ નિલેશભાઈ ઉવ.૨૧ બજાજ સીટી-૧૦૦ બાઇક રજી.નં. જીજે-૧૨-ડીપી-૪૩૭૫ લઈને દૂધ લેવા જઈ રહ્યા હતા. તે સમયે બહાદુરગઢ ગામના પાટીયા પાસે એરોન કારખાનાના સામે ટ્રકના ચાલકે પોતાના હવાલાવાળું ટ્રક પુરઝડપ અને ગફલતભરી રીતે ચલાવી યુવાનના બાઇકને પાછળથી ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ટ્રકના વ્હીલ યુવકના પેટના ભાગ અને પગ પર ફરી જતા તેને ગંભીર ઇજા પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલ પોલીસે અકસ્માત સર્જી ટ્રક લઈને નાસી છુટેલ ટ્રક ચાલક આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.