રાજકોટના એક યુવકે મોરબીના એક ગેસ્ટ હાઉસમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યા હતી. પરંતુ તે પહેલા યુવકે પોતાનું લોકેશન પોતાના મિત્રને મોકલ્યું હતું. જયારે મિત્ર અને પરિવારજનો ગેસ્ટ હાઉસ પહોંચ્યા અને યુવકના બુક કરાવેલ રૂમમાં પ્રવેશતાની સાથે જ તેઓએ યુવકની પંખા પર લટકતી હાલતમાં લાશ જોઈ હચમચી ગયા હતા. ત્યારે યુવક પાસેથી એક ડિજિટલ સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે પોતાના મોતનું સાચું કારણ જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, રાજકોટની શિવ પાર્ક સોસાયટી શેરી નં ૩માં રહેતા સતીસ મછાભાઈ સિંધવ નામના ૨૮ વર્ષીય યુવકે ગઈકાલે મોરબીના એક ગેસ્ટ હાઉસમાં સાંજે ૬:૩૦ કલાકે ચેક ઇન કર્યું અને ત્યાર બાદ પોતાના મિત્રને પોતે ક્યાં છે તે અંગેનું વોટ્સએપ પર લોકેશન મોકલ્યુ હતું. જેથી મિત્રો અને સગા સંબંધીઓ લોકેશન પર પહોંચ્યા હતા અને રૂમમાં પ્રવેશ કરતા જ મૃતદેહ પંખે લટકતી હાલતમાં મળ્યો હતો. અને મૃતકે પોતાના મોબાઈલમાં એક મેસેજ ટાઈપ કરી ડ્રાફ્ટ કરી રાખ્યો હતો. જેમાં મૃતકને ૨૧ લાખ રૂપિયાની ઉઘરાણી હોય જે ન આવતા આર્થિક સંકડામણથી આપઘાત કરતા હોવાનું જણાવ્યું હતું. હાલ સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા મોબાઈલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, મૃતકે અગાઉ પણ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને મૃતક કોઈ કામ ધંધો ન કરતો હોવાનું પરિજનોએ પોલીસને જણાવ્યું હતું.