સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી ઠગાઈ આચરાઈ હતી: મોરબી એસઓજીની ટીમે ઓઢવ વિસ્તારમાંથી આરોપીને ઝડપી સાયબર ક્રાઈમ પોલીસને સોંપ્યો.
હળવદના ડોક્ટરને સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચ આપી રૂ.૪૮.૧૪ લાખની સાયબર ઠગાઈ આચરવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજીની ટીમે અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. ફેસબુક મારફતે પરિચય કેળવી વોટ્સએપ ગ્રૂપમાં જોડ્યા બાદ આરોપીઓએ ડોક્ટર પાસે રૂ.૪૩.૫૫ લાખનું રોકાણ કરાવ્યું હતું અને રકમ ઉપાડવા માટે સર્વિસ ટેક્સના બહાને વધુ રૂ.૪.૫૯ લાખ પડાવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, હળવદના ડોક્ટર ચેતનકુમાર જાકાસણિયાને ફેસબુક મારફતે સંપર્ક કરી સ્ટોક એક્સચેન્જમાં વધુ નફાની લાલચ આપી વોટ્સએપ ગ્રૂપમાં જોડવામાં આવ્યા હતા. ત્યારબાદ વિવિધ બેંક ખાતાઓમાં રૂ.૪૩.૫૫ લાખનું રોકાણ કરાવ્યું હતું. રકમ ઉપાડવા માટે સર્વિસ ટેક્સના બહાને વધુ રૂ.૪.૫૯ લાખ પડાવી કુલ રૂ.૪૮.૧૪ લાખની ઠગાઈ આચરવામાં આવી હતી. જેમાં વોટ્સએપ ગ્રુપ એડમીન, ક્રિએટર સહિતના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી નૈસલ કુમાર હિંમતભાઈ મિસ્ત્રી ઉર્ફે અજય ઉર્ફે આનંદ ઉવ.૩૮ રહે. મૂળ તલોદ સાબરકાંઠા હાલ ઓઢવ અમદાવાદ વાળાને મોરબી એસઓજીની ટીમે ઓઢવ વિસ્તારમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે મોરબી સાયબર ક્રાઈમ પોલીસને સોંપ્યો છે.






