૮૦૦ મીટરથી વધુ કેબલ વાયર કાપી તસ્કરો ફરાર: પાંચ બુકાનીધારી શખ્સો હથિયારો સાથે સીસીટીવીમાં કેદ.
મોરબીના લાલપર ગામની સીમમાં જૂના રફાળેશ્વર તરફ જવાના રસ્તે આવેલા કમાન્ડર સીરામીક કારખાનામાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. દિવાળીની રજાઓ દરમિયાન બંધ કારખાનામાં ઘૂસેલા પાંચ બુકાનીધારી શખ્સો કિલન અને સાઇઝિંગ વિભાગમાં લગાવેલા અંદાજે ૮૦૭ મીટર કોપર કેબલ વાયર કિ.રૂ.૧.૬૦ લાખ કાપીને ચોરી કરી ગયા હતા. ત્યારે સમગ્ર ઘટના કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાલ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
બનાવની મળતી વિગતો મુજબ, કારખાનામાં દિવાળીની રજાઓ હોવાથી ગત તા.૭થી ૧૪ નવેમ્બર દરમિયાન ઉત્પાદન બંધ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન તા.૯ નવેમ્બરના રોજ રાત્રિના આશરે ૧૧ વાગ્યે પાંચ અજાણ્યા બુકાનીધારી શખ્સો હાથમાં લોખંડના પાઇપ અને ધારિયા જેવાં હથિયારો સાથે કારખાનામાં ઘૂસ્યા હતા. તસ્કરોએ શેડની લોખંડની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી મશીનરીનો ૬૯૨ મીટર કોપર કેબલ વાયર કિ.રૂ.૧.૧૫ લાખ અને અન્ય ૧૧૫ મીટર ફોરકોર કેબલ વાયર કિ.રૂ.૪૫ હજાર મળી કુલ રૂ.૧.૬૦ લાખના વાયરની ચોરી કરી હતી.
ત્યારે કારખાનામાં લગાવેલ સીસીટીવી ફૂટેજ તપાસતાં પાંચ બુકાનીધારી શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. ચોરીના બનાવ મામલે કારખાનાના ભાગીદાર વૈભવભાઈ પ્રેમજીભાઈ ચાડમિયા હાલ રહે.રવાપર ચોકડી એકતા એવન્યુ એપાર્ટમેન્ટ ફલેટ નંબર ૬૦૨ રવાપર રોડ મોરબી મુળ- ખરેડા તા.જી- મોરબી વાળાએ અજાણ્યા પાંચ શખ્સો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






