મોરબી: જિલ્લામાં જીવલેણ માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા માર્ગ સલામતી અંગે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જૂન, જુલાઈ અને ઓગસ્ટ-2026 દરમિયાન બ્લેક સ્પોટ પર સલામતીનાં પગલાં, વાહન ચેકિંગ અને શાળાઓમાં જનજાગૃતિ સહિતની કામગીરી કરવામાં આવી હતી.
જિલ્લાના વિવિધ માર્ગો પર વારંવાર અકસ્માત થતા લાલપર, રફાળેશ્વર, મકનસર, હરિપર, ચંદ્રપુર, ધનાળા, કવાડિયા, ઢવાણા અને ચરાડવા સહિતના સ્થળોને ધ્યાનમાં રાખીને જરૂરી ટ્રાફિક કૉર્મિંગ મેઝર્સ અમલમાં મૂકવામાં આવ્યા હતા. જેમાં રોડ સેફ્ટી સાઇનેજ, સ્પીડ કન્ટ્રોલ મેઝર્સ, રોડ માર્કિંગ, રિફ્લેક્ટિવ ડેલિનેટર, કેટ આઈ, ટ્રાન્સવર્સ બાર માર્કિંગ અને સ્ટ્રીટ લાઇટિંગ જેવા સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા.
RTOની કડક કામગીરી
જૂનથી ઓગસ્ટ દરમિયાન RTO વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ બદલ અસરકારક વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં લાયસન્સ વિના વાહન ચલાવવા બદલ 1,520 કેસ, વિમા વિના 1,050 કેસ, રૉંગ સાઇડ ડ્રાઇવિંગના 419 કેસ, હેલ્મેટ વિના વાહન ચલાવવાના 118 કેસ, ઓવરલોડના 487 કેસ અને ઓવર ડાયમેન્શન વાહનના 363 કેસ મળી કુલ 3,957 કેસમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
20 શાળાઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ
RTO વિભાગ, પોલીસ વિભાગ અને 108ની ટીમ દ્વારા જિલ્લામાં આવેલી 20 શાળાઓમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ તેમજ રસ્તા પર સલામત વર્તન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
PM-RAHAT હેઠળ 220 અકસ્માત પીડિતોને લાભ
અકસ્મતમાં ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમલમાં મુકાયેલી PM-RAHAT યોજના હેઠળ અકસ્માત પીડિતોને 7 દિવસ સુધી રૂ.1.50 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ આપવામાં આવે છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 220 માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં અકસ્માત પીડિતોને આ યોજનાનો લાભ મળ્યો હોવાનું જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા જણાવાયું છે.
જિલ્લામાં માર્ગ અકસ્માતો ઘટાડવા રસ્તાની સલામતીમાં સુધારો, ટ્રાફિક નિયમોનું અસરકારક અમલીકરણ અને જનજાગૃતિની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.






