ફેક્ટરીના નકશા મંજૂર કરાવવા અને ફેક્ટરીમાં વિઝિટ કરી હેરાન ન કરવા બદલ માંગી હતી લાંચ
મોરબીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચના છટકામાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગના નાયબ નિયામક સહિત બે વ્યક્તિઓને રૂ.25 હજારની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
ACBની માહિતી મુજબ, ટ્રેપમાં આરોપી તરીકે જતીનભાઈ સુરેશચંદ્ર આદેસરા (ઉ.વ.43), નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર ફોર ફેક્ટરીઝ, વર્ગ-1, તેમજ અજયસિંહ નાથુભા ઝાલા (ઉ.વ.28), ડ્રાઇવરનો સમાવેશ થાય છે.ફરિયાદી ફેક્ટરી એક્ટ એડવાઇઝર તરીકે કન્સલ્ટિંગનું કામ કરતા હોવાનું અને ફેક્ટરીના નકશા મંજૂર કરાવવા તેમજ ફેક્ટરીઓમાં વિઝિટ કરી હેરાન-પરેશાન ન કરવા માટે આરોપી નં.1 દ્વારા રૂ.25,000ની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.લાંચની રકમ આપવા ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ મોરબી ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે 5 ઓક્ટોબર, 2026ના રોજ મોરબીના લાલબાગ, સેવાસદન ખાતે આવેલી ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરીના કમ્પાઉન્ડના નીચેના ભાગે એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.છટકા દરમિયાન આરોપી સુરેશચંદ્ર આદેસરા નાયબ નિયામક દ્વારા ફરિયાદીને લાંચની રૂ.25,000ની રકમ બીજા આરોપી ડ્રાઈવર અજયસિંહને આપવાનું જણાવાયું હતું. ત્યારબાદ પંચ સાક્ષીની હાજરીમાં ડ્રાઈવર એ અધિકારી વતી રૂ.25,000ની લાંચની રકમ સ્વીકારતા ACBની ટીમે બંને આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી લાંચની સમગ્ર રૂ.25,000ની રકમ રિકવર કરવામાં આવી હોવાનું ACBએ જણાવ્યું છ.
સમગ્ર ટ્રેપની કાર્યવાહી મોરબી ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. દેકાવાડીયા દ્વારા કરવામાં આવી હતી. સુપરવિઝન અધિકારી તરીકે ACB રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક એમ.પી. સોલંકી તેમજ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાની દેખરેખ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.






