ભારતની સ્વતંત્રતા-આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવાના અવસર આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં મોરબી સત્યાગ્રહ, વોકર કરાર અને નાના સાહેબ પેશ્વા સમાધિ સ્થળ અંતર્ગત મોરબી જિલ્લામાં ત્રણ સ્થાનો પર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

નાના સાહેબ પેશ્વા સમાધિ સ્થળ અંતર્ગત શહેરના ટાઉનખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં સાંસદએ રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં નાના સાહેબ પેશ્વાના યોગદાનને યાદ કરી સમગ્ર ગુજરાતમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંગે સૌ ઉપસ્થિતોને માહિતીગાર કર્યા હતા.
મોરબીના ઘુટું ખાતે સવજી કાકા હોલ ખાતે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ભરતભાઇ બોઘરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ડૉ. ભરતભાઇ બોઘરાએ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશ અને ગુજરાતમાં યોજાઇ રહેલા કાર્યક્રમોમાં ગુજરાતના ૭૫ સ્થાનો પર આઝાદી માટે દેશમાં થયેલા વિવિધ સત્યાગ્રહોમાં અમૂલ્ય યોગદાન આપનારા સૌને યાદ કર્યા હતા.

મોરબી સત્યાગ્રહ અંતર્ગત મણિમંદિરના પ્રાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં અગ્રણી પ્રદીપભાઇ વાળાએ પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના આંદોલનમાં મોરબીના અનેક સ્થાનો આજે પણ ઐતિહાસીક મહત્વ ધરાવે છે. ૧૮૭૫નું આઝાદીનું આંદોલન તેમજ મોરબી સત્યાગ્રહને યાદ કરી સમગ્ર ગુજરાતમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થકી રાષ્ટ્રીય ચેતના જાગૃત થઇ રહી હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમના પ્રારંભે વર્ષાબેન ઠક્કર એન્ડ ગ્રુપ દ્વારા ”બંદે મે થા દમ” આધારિત નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી.

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે મોરબી જિલ્લામાં યોજાયેલ ત્રણેય સ્થાનો પર દેશભક્તિ, આઝાદીની ચળવળ, સત્યાગ્રહ અને ક્રાંતિકારીઓના જીવન આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં ઐતિહાસીક મહત્વ ધરાવતા ત્રણ સ્થાનો પર રાષ્ટ્રિય ચેતના-રાષ્ટ્રભાવ-સ્વતંત્રતાનો ઇતિહાસ ઉજાગર કરતાં કાર્યક્રમોનું આયોજન જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. અમદાવાદના સાબરમતી આશ્રમના કાર્યક્રમનું વર્ચ્યુઅલ જીવંત પ્રસારણ સૌ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું.


ત્રણેય સ્થાનો પર યોજાયેલ કાર્યક્રમોમાં પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જેન્તીભાઇ કવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, નરેન્દ્રભાઇ પોપટ, અજયભાઇ લોરિયા, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરા, અધિક કલેક્ટર કેતન પી. જોષી, ડીવાયએસપી રાધિકા ભારાઇ, ભૂતસ્તરશાસ્ત્રી યુ.કે. સિંગ, જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પટેલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, મામલતદાર જી.એચ. રૂપાપરા, સી.બી. નિનામા, ડી.એ. જાડેજા સહિત સ્થાનીક પદાધિકારીઓ, સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ સ્થાનીક લોકો ત્રણેય સ્થાનો પર યોજાયેલ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.









