રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવની સુચના તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી અને ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન મુજબ મોરબી જીલ્લામા મહીલા તથા બાળકો ઉપર બનતા અત્યાચારના ગુના બાબતે ગંભીરતા લઇ આરોપી તથા ભોગબનનારને પકડી પાડવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસ દ્વારા અપહરણ તેમજ પોકસો એકટ હેઠળના આરોપીને ઉજ્જૈનથી પકડી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગત તા- ૦૫/૧૨/૨૦૨૩ ના રોજ મોરબીમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી કે, ફરિયાદીની સગીરવયની દિકરીને મધ્યપ્રદેશ રાજયના ઉજજૈન જીલ્લાના મહીદપુર તાલુકાના જુટાવડ ગામનો રહેવાસી લખન ગોરધનભાઇ ખારીવાલ મોરબી ખાતેથી અપહરણ કરી ભગાડી ગયો છે. જે ફરિયાદને લઈ પોલીસે આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવા માટે અગાઉ બે વખતે અલગ અલગ ટીમો બનાવી એમ.પી રાજય ખાતે આરોપીના રહેણાંક મકાને તપાસ અર્થે મોકલી હતી. પરંતુ ત્યારે આરોપી મળી ન આવતા પોલીસે તપાસ સઘન કરી હતી. ત્યારે તેઓને ગત તા-૨૯/૦૩/૨૦૨૪ ના રોજ ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે આરોપી તથા ભોગબનનાર જુટાવદ ગામે પોતાના રહેણાંક મકાને આવેલ છે. જે બાતમીનાં આધારે અત્રે મોરબીના ટંકારા પોલીસ સ્ટેશનની ટીમ તપાસમા મધ્યપ્રદેશ રાજય ખાતે રવાના થયેલ હોય જે બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાની તપાસ કરવા પણ યાદી પાઠવવામા આવેલ હોય જેથી બાતમી અંગે પોલીસ કર્મીઓએ સ્થાનિક પોલીસને વાકેફ કરતા આરોપી તથા ભોગબનનાર ગામ-જુટાવદ, તા-મહીદપુર જી-ઉજજૈન (એમ.પી) રાજય વાળા પોતાના રહેણાંક મકાને મળી આવતા તેઓને હસ્તગત કરી તેઓને મોરબી રજુ કરી ગુનો શોધી કાઢ્યો છે. તેમજ આરોપી વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.