મહિલાઓની સુરક્ષા અને સલામતીના ઉદ્દેશ્ય સાથે મોરબીનાં સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં “SHE TEAM” કાર્યરત કરવામાં આવી હતી. તાજેતરમાં જ “SHE TEAM” દ્વારા એક મહિલાનો જીવ બચાવવામાં આવ્યો હતો. ફેસબુકમાં આત્મહત્યા બાબતેની પોસ્ટ કરનાર મહિલાનાં ઘરનું એડ્રેસ મેળવી મહિલાની મુલાકાત લઈ તેને આ પગલું ભરવાથી રોકી તેને જરૂરી માર્ગદર્શન આપી અને તેને હિંમતભેર આગળનું જીવન જીવવા હિમ્મત પુરી પાડી હતી.
મળતી માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં “SHE TEAM” કાર્યરત કરવામાં આવી છે. જે અન્વયે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.એ.દેકાવાડીયાને સોશ્યલ મિડીયાના માધ્યમથી એક મેસેજ મળ્યું હતું. જેમાં એક મહિલાએ આત્મહત્યાનું પગલુ ભરવા જણાવેલ હતું, તેમજ મેસેજમાંથી તે મહિલાના મોબાઇલ નંબર મેળવી તે મહિલાનું સરનામું મેળવી તાત્કાલીક મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની. સી ટીમ તથા એલ.આઇ.બી શાખાના કામ કરતા સભ્યોને સુચના કરી અને મહિલાને શોધી જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા સમજ કરવા સુચના કરતા તાત્કાલીક મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે મહિલાનું ઘર શોધી અને મહિલાને રૂબરૂ મળી હતી. જેમાં પૂછપરછ દરમિયાન માહિતી મળી હતી કે, તે મહિલા લાંબાસમયથી બિમારી છે જેનાથી તે કંટાળી ગઈ હોવાથી ફેસબુકમાં આત્મહત્યા બાબતેની પોસ્ટ કરેલ હતી. જોકે બાદમાં તે પોસ્ટ ડીલીટ કરી નાખેલ હતી.ત્યારે મોરબી સીટી બી ડીવી પોલીસના કાઉન્સીલીંગ બાદ મહિલાએ તેના પરીવારના સભ્યોની હાજરીમાં આવુ પગલુ નહીં ભરે તેમ અને હિંમતભેર આગળનું જીવન જીવવાની ખાતરી આપેલ હતી. આમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસની SHE ટીમ ની સમયસુચકતાના લીધે એક માનવ જીવન બચાવવામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ “SHE TEAM” ને સફળતા મળી છે.