દંપતીની અગાઉની ફરિયાદ બાદ વળતી ફરિયાદ નોંધાઈ, પોલીસે વધુ ૬ સામે ગુનો દાખલ કર્યો.
હળવદના મયાપુર ગામે ખરીદ કરેલી જમીનમાં ફેન્સીંગ કરવા ગયેલા માલીક અને તેમના ધંધા ભાગીદાર ઉપર હુમલો કરવામાં આવ્યો હોવા અંગે અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અગાઉ આ જ જમીન વિવાદે હાલના આરોપી દંપતી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે હાલ હળવદ પોલીસે મારમારીની આ ઘટનામાં વધુ ૬ લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના મયાપુર ગામે જમીન વિવાદને લઈને સામસામે મારમારીનો બનાવ સામે આવ્યો છે. ત્યારે હાલ આ બનાવને લઈને અગાઉ ફરિયાદ થઈ હતી જેની વળતી ફરિયાદમાં ખેડૂત અને ટ્રાન્સપોર્ટના વ્યવસાયે સંકળાયેલા દિલીપભાઈ ધરમશીભાઈ લબકામણા ઉવ.૪૨ રહે.આસોપાલવ સોસાયટી હળવદ વાળાએ આરોપી બળદેવભાઈ ભુદરભાઈ કણઝરીયા, રમીલાબેન બળદેવભાઈ કણઝરીયા, સોનલબેન, અરવિંદભાઈ હરજીભાઈ, વાસુદેવભાઈ છગનભાઈ તથા એક અજાણ્યા વ્યક્તિ રહે. બધા મયાપુર તા.હળવદ વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, દિલીપભાઈએ વર્ષ ૨૦૨૫માં જુલાઈ માસમાં વેચાણ દસ્તાવેજથી ઉપરોક્ત જમીન ખરીદી હતી. ત્યારે ગત તા. ૧૭ એપ્રિલે તેઓ અને તેમના ભાગીદાર વિજયભાઈ બાંભા જમીનમાં ફેન્સીંગ કામ માટે પહોંચ્યા હતા ત્યારે આરોપી બળદેવભાઈ કણઝરીયા અને તેમની પત્નિ રમીલાબેન ત્યાં આવી ‘જમીન અમારી છે’ કહી ઝઘડો કર્યો હતો. જેથી ફરિયાદી દિલીપભાઈએ કહેલ કે, આ જમીન મેં ખરીદ કરેલી છે અને આનો દસ્તાવેજ મારી પાસે છે, તેમ કહેતા એકદમ ઉશ્કેરાઈ ગયેલ આરોપી બળદેવભાઈએ લોખંડના પાઇપથી હુમલો કર્યો અને રમીલાબેને ધક્કો મારતા ફરિયાદી નીચે પડી ગયા હતા. પછી અન્ય આરોપીઓ પણ સ્થળે કુહાડી અને લાકડાના ધોકા સાથે ધમકીઓ આપવા લાગ્યા, જેથી ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે ૬ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





