ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે તેનાથી સામાન્ય વ્યક્તિ હેરાન પરેશાન સાથે ભયભીત છે. ત્યારે આ સામાજિક તત્વો અને ગુનેગારોથી અલ્લાહ પણ સુરક્ષિત નથી રહ્યા. વાંકાનેરની શાહબાવાની દરગાહમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એક ઈસમ જુદી-જુદી કંપનીના કુલ ૮ પંખા ચોરી જતા તેના વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે ગણતરીની કલાકોમાં જ પોલીસે તેની અટકાયત કરી હતી.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરની મીનારા શેરીમાં રહેતા સરફરાજ હુશેનભાઇ ફકીર નામના શખ્સે વાંકાનેર શાહબાવાની દરગાહના ઇબાદત ખાનામા મસ્જીદના સમારકામ દરમ્યાન રાખેલ મીનારા મસ્જીદના મોટા ટેબલ પંખા એકની કિમત રૂપિયા ૧૨૫૦/- લેખે રૂ.૫૦૦૦/-ના ચાર પંખાની તથા શાહબાવાની દરગાહના પંખા જે ઇબાદત ખાનામાં રાખેલ તે એક પંખાની કિ.રૂ.૫૦૦/- લેખે રૂ.૨૦૦૦/-ની કિંમતના ચાર પંખાની એમ કુલ નાના મોટા જુદી-જુદી કંપનીના રૂ.૭૦૦૦/- ની કિંમતના કુલ ૮ પંખાની ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે વાંકાનેર લક્ષ્મીપરા આર.ડી.સી બેંન્ક પાછળ રહેતા મહમદભાઇ રહેમાનભાઇ રાઠોડે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદનાં આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી સરફરાજ હુશેનભાઇ ફકીરની અટકાયત કરી હતી. અને આગળની કાર્યવાહી શરુ કરી હતી.