મોરબીના રવાપર, માધાપર, વજેપર સહિતના કિંમતી જમીનના સર્વે નમ્બરમાં બિલ્ડરો અને દલાલો દ્વારા ખોટા સોદા ખત ,ખોટા દસ્તાવેજો બનાવીને બેફામ કૌભાંડ થઈ રહ્યા છે.જેમાં છેલ્લા અમુક સમયમાં મોરબીમાં 15 કરોડ થી વધુની કિંમતના ખોટા સોદાખત થયાં છે અને આવા ખોટા સોદાખતમા બિલ્ડરોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે ત્યારે મોરબીના બિલ્ડરો દ્વારા મુખ્યમંત્રી ને રજુઆત કરવાની તૈયારી હતી પરન્તુ કયાંક ને ક્યાંક બિલ્ડર લોબીના અમુક લોકો જ આવા ખોટા સોદાખત કરતા દલાલો સાથે સાંડોવાયેલા હોવાની આશંકા સેવાઇ રહી છે.
થોડા સમય પહેલા જ એક કિસ્સામાં મોરબીના જ એક જય મારુ નામના ફરિયાદી દ્વારા ભરત પરમાર નામના વ્યક્તિ પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા અરજી કરવામા આવી છે જેમાં અરજદાર દ્વારા આક્ષેપ કર્યો છે કે ભરત પરમાર અને અન્ય બે વ્યક્તિ દ્વારા અરજદારની જમીન પર ગેરકાયદેસર કબ્જો તો કર્યો જ પરંતુ શિવ પેલેસ નામની બહુમાળી બિલ્ડીંગનું બાંધકામ પણ ચાલુ કરી દીધું છે તથા મોરબીના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલ અવધ સોસાયટી પાસે થી નાની કેનાલ પસાર થાય છે અને આ કેનાલના કારણે નિયમોનુસાર અમુક સર્વે નંબરમા કપાત આવી હોઇ જેનો ગેરલાભ લઇ જે તે વખતે અમુક વગદાર બિલ્ડરોએ મોરબી નગરપાલિકામા સેટિંગ કરી ખોટા નકશા પણ મંજુર કરાવી લીધા છે.
આ અંગે નગરપાલિકાના હાલના ટાઉન પ્લાનિંગ ચેરમેન સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેમના પહેલાના ચેરમેનના કાર્યકાળમા આ ‘સેટિંગ’થયું છે.મોરબીમાં આવેલ માધાપર સર્વે નંબર ૧૨૬૬/૨ ની જમીન બિલ્ડર ભરત બોપલીયા, દિનેશ દેત્રોજા સહિતના બિલ્ડરોએ ખરીદ્યો છે અને હાલ આ સર્વે નંબરના પ્લોટ ઉપર ખોટા નકશા ઉભા કરી શિવ પેલેસ નામની બહુમાળી બિલ્ડીંગ નું બાંધકામ ખડકી દેવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને તે જ બાંધકામમાં પોતાનો પ્લોટ પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું હોવાની અરજી જય મારૂ નામના વ્યક્તિએ કરી છે.
સમગ્ર મામલે બિલ્ડરોની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ રહી છે કેમ કે નગરપાલિકામા ખોટા નકશા બનાવીને રજૂ કરવા અને પછી એ ખોટા નકશાને મંજુર કરાવવા એ કામ તો કોઇ મોટી વગદાર અને પૈસા વહાવનાર લોકો દ્વારા જ થઈ શકે છે.અને આવા કૌભાંડો મામલે અગાઉ બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી હતી હવે એ જ બિલ્ડર એસોસિએશનના પ્રમુખના નામના સર્વે નંબરમા જ નકશા કૌભાંડ થયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે બિલ્ડર એસોસિએશન દ્વારા ફક્ત દેખાવ કરવા રજુઆત કરાઈ હતી કે શું તેવી ચર્ચા હાલ થઇ રહી છે.હવે મોટા બિલ્ડરો અને મોટા વગદાર લોકો સામે આક્ષેપ થઇ રહ્યા છે ત્યારે ગેરકાયદેસર દબાણ અને ખોટા નકશા કૌભાંડનો ભોગ બનનાર અરજદાર જય મારૂને ન્યાય મળે તો પણ સારુ છે.
વધુમાં જે કાંતાબેન મેઘજીભાઈ ના સર્વે નંબરનું બોગસ સોદાખત ઉભું થયું છે તેવી ચર્ચા છે જેમાં દિનેશ નામના વ્યક્તિનું નામ આવી રહ્યું છે તે દિનેશ પોતે આ બિલ્ડર છે કે કેમ એ પણ જોવું રહ્યું કે હવે જેમ કાંતાબેન મેઘજીભાઈ ના સર્વે નમ્બરના બોગસ સોદાખત પ્રકરણમાં આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ જ રીતે અરજદાર જય મારુ ની જમીનમાં દબાણ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તો અનેક મોટા માથા ઓના મોટા રાઝ ખુલવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.