ટંકારા તાલુકાના જબલપુર ગામના પાટિયા નજીક ફૂલ સ્પીડમાં આવતી સ્કોર્પિયો કાર સામેથી આવતા બાઈક સાથે અથડાતા બાઇક ચાલક યુવાનને હાથ, પગ સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે હાલ રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ યુવકના પિતાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી સ્કોર્પિયો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
ટંકારા તાલુકાના જબલપુર ગામના પાટિયા પાસે થયેલા માર્ગ અકસ્માતમાં હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-બીસી-૪૧૪૬ ઉપર ધ્રોલ ગામે સાસરેથી પરત ફરી રહેલા જીગર ગુલમામદભાઈ ચૌહાણને સ્કોર્પિયો કાર રજી.નં. જીજે-૩૬-એઆર-૦૬૮૬ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી સામેથી આવતા બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક જીગરભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્તને પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ, ત્યારબાદ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ અને વધુ સારવાર માટે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ ઇજાગ્રસ્ત યુવકના પિતા ગુલમામદભાઈ દરિયાખાન ચૌહાણ ઉવ.૬૮ રહે. ટંકારા કલ્યાણપર રોડ વાળાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






