હળવદના ચરાડવા ગામે ગઈકાલે સગાઈ તૂટી જવાની બીકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવા પ્રકરણમાં મૃતકના પિતાની ફરિયાદ અને સ્યુસાઇડ નોટના આધારે ભાવિ પતિ અને સાસુ સસરા સહિતના ચાર વિરુદ્ધ યુવતીને મરવા મજબૂર કરવા અંગે ગુન્હો દાખલ કરતા ચકચાર જાગી છે.
જાણવા મળતી વિગતો મુજબ હળવદના ચરાડવા ગામે રહેતા મનસુખભાઇ નરસિંહભાઈ ચૌહાણની પુત્રી અંકિતાબેને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ કબજે કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી અને ભાવિ પતિ તેમજ સાસરિયાઓ સગાઈ તોડી નાખશે તેવા ડરથી આ પગલું ભર્યાનું બહાર આવ્યું હતું.
વધુમાં મૃતક અંકિતાની સગાઈ રણજીતગઢ ગામે રહેતા કલ્પેશ રવજીભાઈ કણજારીયા નામના યુવાન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ કલ્પેશ અને તેના પિતા રવજીભાઈ મનજીભાઈ કણજારીયા અને માતા કંચનબેન રવજીભાઈ તેમજ વેગડવાવ ગામે રહેતા મુકેશ ગોરધનભાઈએ સગાઈ તોડી નાખવા માટે કહ્યું હતું.
બીજી તરફ અંકિતાની જેની સાથે સગાઈ કરવામાં આવી હતી તે કલ્પેશે અંકિતાને લગ્ન કરવાનું કહીને અવાર નવાર શરીર સબંધ બાંધેલ હતો જેથી કરીને યુવતીની સગાઈ તૂટી જાય તો સમાજમાં બદનામી થશે અને સમાજમાં મોઢું બતાવવા લાયક નહીં રહે તેવી બીકના કારણે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે.
આ મામલે પોલીસે સ્યૂસાઇડ નોટ કબ્જે લીધી છે અને મૃતક યુવતીના પિતાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની તેના વેવાઈ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ ચકચારી પ્રકરણમાં ભાવિ પતિ સહિતના સસરિયાઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.