સીબેલા અને વાઈટ હાઉસના ગોડાઉનમાં પોતાના મજૂરો કામે રાખવા આરોપીઓએ અન્ય મજૂરોને મજૂરી કામ નહીં કરવા દેવાની ધમકી આપી.
વાંકાનેરમાં કોન્ટ્રાક્ટ હેઠળ મજૂરી કરતા લોકોને આરોપી ભરતસિંહ, ભુપતસિંહ અને અલી નામના ત્રણ શખ્સોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં વઘાસીયા ટોલગેટ પાસેના વાઇટ હાઉસ કારખાનામાં મજૂરી કરતા મજૂરને આરોપીઓએ મજૂરી કામે નહીં આવવા અને આવતા જાનથી મારી નાખવાની ધમકી તેમજ સીબેલા કારખાનાના ગોડાઉનમાંથી પણ મજૂરોને ધમકાવી બહાર કાઢી આરોપીઓએ પોતાના મજૂરો કામે રાખ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના સોરઠવાડી સર્કલ પાસે રહેતા નિલેશભાઈ બાબુભાઈ જલુ ઉવ.૫૩એ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ જી.એસ.ડબલ્યુ.સી.ના સરકારી કોન્ટ્રાક્ટ હેઠળ મોરબી જીલ્લામાં અલગ-અલગ જગ્યાએ મજૂરીનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. જેમાં વાંકાનેર નર્સરી ચોકડી-થાન રોડ પર સીબેલા કારખાનાનું તથા વઘાસીયા ટોલગેટ પાસે વાઇટ હાઉસ કારખાનાનું ગોડાઉન ભાડે રાખી ત્યાં મજૂરો રાખી કામ કરાવતા હતા. ત્યારે એક અઠવાડિયા અગાઉ આરોપી ભરતસિંહ, ભુપતસિંહ અને અલી નામના શખ્સો સીબેલા ગોડાઉન ખાતે આવ્યા હતા અને મજૂરોને ધમકાવી ગોડાઉનની બહાર કાઢી મૂક્યા હતા. બાદમાં વઘાસીયા ટોલગેટ પાસેના વાઇટ હાઉસ ખાતે કામ કરતા મહેશભાઈ રહે. વિછીયા ગામને પણ આરોપીઓએ મજૂરી કામે નહીં આવવા અને આવશો તો પગ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઉપરાંત એક મજૂરને ઝાપટો મારી હતી. ત્યારે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ સામે બીએનએસ કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






