મોરબી શહેરની મધ્યે પસાર થતી અને શહેરની માતા સમાન મચ્છુ નદીમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. અહીં ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાંથી પણ દૂષિત પાણી છોડાતું હોવાથી નદી અતિ પ્રદૂષિત થઈ ચૂકી છે. ત્યારે મોરબીનાં લીલાપર ગામે રહેતા એક ખેડૂતે ગુજરાત પ્રદુષણ નિયામક બોર્ડને પત્ર લખ્યો છે. અને તેમના ગામમાં આવેલ પેપર મીલને લઈ ફરિયાદ કરી છે.
મોરબીનાં લીલાપર ગામના સ્થાનિક દ્વારા ગુજરાત પ્રદુષણ નિયામક બોર્ડનાં પ્રાદેશિક અધિકારીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લીલાપર ગામમાં તીર્થક પેપર મીલ આવેલ છે. જેની બાજુમાં જ પ્રવીણભાઈની વાડી આવેલ છે. તીર્થક પેપર મિલના સંચાલકો તેમની મીલનું દુષિત કેમિકલ યુક્ત પાણી મચ્છુ નદીમાં ઠાલવે છે. જેના કારણે તેમની જમીનને નુકશાન થાય છે.અને જમીનનાં કશું ઉગતું ન હોવાનો પણ પત્રમાં તેમના દ્વારા આક્ષેપ કરાયો છે. તેમજ તીર્થક પેપર દ્વારા એક બોઈલર બનાવવામાં આવ્યું છે. જેમાં તેઓ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ સળગાવવામાં આવે છે. જેમાંથી પ્લાસ્ટિક વેસ્ટ પણ ઉડીને તેમના ખેતરમાં જતો હોવાનો આક્ષેપ કરાયો છે. તેમજ બોઈલરનો ધુમાડો તેમના ઉભા મોલને બાળી નાખે છે. આટલું જ નહિ મચ્છુ નદીમાં અત્યારે કેમિકલના થર બની ગયા હોવાનો પણ પત્રમાં આક્ષેપ કરાયો છે. ત્યારે આ ફેક્ટરી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મોરબીને રજૂઆત કરવામાં આવી છે.