મોરબીમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા દિલ્હી-પંજાબ સહિતના રાજ્યોમાં કૃષિ સંબધિત ત્રણ વિધાયકોને રદ કરવાની માંગ સાથે આંદોલન કરતા ખેડૂતો ઉપર દમનના વિરોધમાં એક દિવસના પ્રતીક ધરણા કર્યા છે. તેમણે ખેડૂતોના આંદોલનને સરકાર દ્વારા કચડવાના હીન પ્રયાસોને વખોડી કાઢીને ખેડૂતો માટે નુકસાનકારક કૃષિ સંબધિત ત્રણ વિધાયકોને રદ કરવાની માંગ કરી છે.
મોરબીના કોંગ્રેસ આગેવાનોએ ખેડૂત આંદોલનના સમર્થનમાં મોરબીના શનાળા રોડ સરદાર પટેલની પ્રતિમા પાસે એક દિવસના પ્રતીક ધરણા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારના કાળા કાયદા સમાન કૃષિ સંબધિત ત્રણ વિધાયકોને રદ કરવાની માંગ સાથે દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં ખેડૂતો અંદલોન કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને ન્યાય આપવાને બદલે તેમનો અવાજ રૂંધી નાખવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આંદોલન ચલાવતા ખેડૂતો ઉપર કડકડતી ટાઢમાં વોટર કેનેનનો મારો ચાલવીને સરકાર ખેડૂત આંદોલનને કચડવાનો હીન પ્રયાસ કરી રહી છે. સરકારના વલણને તેમણે વખોડી કાઢીને ખેડૂત આંદોલનના ટેકમાં આજે એક દિવસના ઉપવાસ કરીને ખેડૂતો માટે નુકસાનકારક કૃષિ સંબધિત ત્રણ વિધાયકોને રદ કરવાની માંગ કરી છે.