મોરબી શહેરમા તાજેતરમાં જ કામગીરીમાં લાલીયાવાડી બદલ ડોર ટુ ડોર કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ રદ કરાયા બાદ ધકેલ પાંચ દોઢસોની માફક કામગીરી બદલ પાલિકાના ચીફ ઓફિસરે સટાસટી બોલાવી શહેરી વિસ્તારમાંથી કચરાના સ્ટેન્ડ પરથી કચરો ઉપડવાનો કોન્ટ્રાક્ટ પણ રદ કર્યો છે.
મોરબી શહેરી વિસ્તારના તમામ ૧ થી ૧૩ વોર્ડમાં આવેલ તમામ વિસ્તારોના નાના – મોટા કચરાના પોઈન્ટ / ઢગલા ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ અમદાવાદની શ્રીજી એજન્સીને અપાયો હતો.પરંતુ કોન્ટ્રાકટર દ્વારા કામગીરીમાં બેદરકારી દાખવતાં વિવિધ મુદાઓ અને કરારની શરતો નં. ૫, ૯, ૧૦, ૨૯ તથા ૩૭ નો વારંવાર ભંગ કરતાં અગાઉ પાલિકા નોટીસ આપવામાં આવી હતી. અને જગ્યા પર કચરો ઉપાડવા તથા દવા છંટકાવની કામગીરી સુધરવા બાબત તાકીદ કરવામાં આવી હતી અને રૂ . ૨,૦૦,૧૦૦ નો મસમોટો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. છતાં પણ કોન્ટ્રાકટરે કામગીરીમાં લોટ પાણીને લાકડા યથાવત રાખી સુધરવાનું નામ ન લેતા ચીફ ઓફિરે સ્થળ પર ફરીથી રૂબરૂ નિરીક્ષણ કર્યું હતી જે દરમિયાન કામગીરીમાં કોઈ સુધારો માલૂમ પડ્યો ન હતો.
આથી ગંભીર બેદરકારીને કારણે લોકોનું જાહેર આરોગ્ય જોખમાઈ છે તથા મોરબી નગરપાલિકાના નેશનલ રેન્ક પર અસર પડે છે. તેમ જણાવી તાત્કાલિક કચરાના ઢગલા ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યો છે.