ખાતામાં ભૂલથી પૈસા જમા થયાનું કહી પુત્રના અકસ્માતનું બહાનું કાઢ્યું, ફોન-પે મારફતે રકમ પડાવી.
વાંકાનેરના લાલપર સ્થિત અશોક લેલન વર્કશોપમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આધેડને અજાણ્યા શખ્સે ખોટા મેસેજ અને પુત્રના અકસ્માતનું બહાનું આપી રૂ.૪૮,૦૦૦/- ફોન-પે કરાવી લીધા હતા. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં મોબાઇલ નંબર ધારક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેરના ગારીયા ગામના રહેવાસી અશોકસિંહ જોરુભા જાડેજા ઉવ.૫૮ને ગત તા. ૪ જૂન ૨૦૨૬ના રોજ અજાણ્યા મોબાઇલ નંબર ૯૨૦૪૨ ૭૩૨૧૪ ઉપરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે તેમને ઓળખતો હોવાનું જણાવી તેમના ખાતામાં ભૂલથી રૂ.૪૮,૦૦૦/- જમા થયા હોવાની ખોટી વાત કરી હતી. આ સાથે પૈસા જમા થયાના ડમી મેસેજ પણ મોકલ્યા હતા. ત્યારબાદ પોતાના દીકરાનું અકસ્માત થયું હોવાનું કહી તાત્કાલિક પૈસાની જરૂર હોવાનું જણાવી રૂ.૨૦,૦૦૦/- અને રૂ.૨૮,૦૦૦/- એમ કુલ રૂ.૪૮,૦૦૦/- અન્ય મોબાઇલ નંબર ૯૨૨૯૯ ૫૮૫૦૧ ઉપર ફોન-પે કરાવી લીધા હતા.
બાદમાં વધુ રૂ.૫૦,૦૦૦/- જમા થયાનો મેસેજ મળતાં શંકા જતાં તપાસ કરી હતી, જેમાં ખાતામાં કોઈ રકમ જમા થઈ ન હોવાનું સામે આવ્યું હતું. આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં પ્રથમ સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર જાણ કરવામાં આવી હતી. હાલ સમગ્ર બનાવ મામલે અશોકસિંહ જાડેજાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા મોબાઇલ નંબર ધારકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






