લોખંડના પાઇપ, ધારિયાં અને લાકડીઓથી હુમલો, પિતા-પુત્રને ગંભીર ઇજા, છોડાવવા વચ્ચે પડેલ અન્ય લોકો પણ ઘવાયા.
વાંકાનેરના ખીજડીયા ગામે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને સરૈયા પરિવારના ૧૦ શખ્સોએ વેપારી અને તેના પિતા-ભાઈ સહિતના લોકો પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં પિતા-પુત્રને ગંભીર ઇજાઓ થતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સાગરભાઈ મોમભાઈ ડાભી ઉવ.૩૨ ખીજડીયા ગામના પાદરમાં આવેલી મોમાઈ ટ્રેડિંગ નામની દુકાન અને ગોદામમાં કપાસિયા તથા ખોળનો વેપાર કરે છે. ફરિયાદ મુજબ, બે દિવસ અગાઉ તેમના કાકાના દીકરા વિપુલભાઈને શેરીમાંથી પસાર થવા બાબતે ગોપાલભાઈ લખમણભાઈ સરૈયા અને અન્ય શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. તે સમયે તેમની વેન્યુ કારમાં તોડફોડ કરવામાં આવી હતી. આ જ અદાવત રાખીને ગત તા.૧૯ ઓક્ટોબરના રોજ સાગરભાઈ તેમના પિતા મોમભાઈ અને ભાઈ જવનીક પોતાની ઉપરોક્ત દુકાને હતા ત્યારે આરોપી ગોપાલભાઈ લખમણભાઈ સરૈયા, નારણભાઈ લખમણભાઈ સરૈયા, કેયુરભાઈ લીલાભાઈ સરૈયા, મહીપાલભાઈ નારણભાઈ સરૈયા, મહેશભાઈ નારણભાઈ સરૈયા, રણછોડભાઈ લીલાભાઈ સરૈયા, ભુપતભાઈ લખમણભાઈ સરૈયા, પારસભાઈ લખમણભાઈ સરૈયા, લીલાભાઈ નવઘણભાઈ સરૈયા અને છેલાભાઈ રતાભાઈ સરૈયા રહે. ખીજડીયા તા.વાંકાનેર વાળા દુકાને આવી ગાળો આપી લોખંડના પાઇપ, ધારિયાં અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો.
હુમલામાં સાગરભાઈને માથામાં ઇજા ઉપરાંત ડાબા હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હતી. તેમના પિતા મોમભાઈ અને ભાઈ જવનીકભાઈને માથામાં ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દરમિયાન બચાવવા વચ્ચે પડેલા અન્ય લોકોને પણ ઇજાઓ થઈ હતી અને આ સાથે દુકાન બહાર પડેલ સાગરભાઈની બોલેરો પીકઅપમાં પણ તોડફોડ કરાઈ હતી. હાલ સમગ્ર બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે દસેય આરોપીઓ વિરુદ્ધ જીવલેણ હુમલા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






