મોરબીમાં કોરોનાનાં વધતા કેસોને અટકાવવા સ્વૈચ્છિક તકેદારીના ભાગરૂપે હાલ મોરબીનું માર્કેટિંગ યાર્ડ બંધ છે. થોડા સમય અગાઉ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમુક સમય મર્યાદા માટે આ માર્કેટિંગ યાર્ડને બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબી દ્વારા જ્યાં સુધી કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી મોરબીના માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મોરબીના માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગનું ખરીદ-વેચાણ સંપૂર્ણપણે બંધ રહેશે. જેની લાગતા વળગતા તમામે ખાસ નોંધ લેવી અને આ સમયગાળા દરમ્યાન ખેડૂતોએ તેમની ખેતપેદાશો યાર્ડમાં ન લાવવા અને આ અંગેની જાણ દરેક કમિશન એજન્ટોએ પોતાના ખેડૂતોને કરવાની રહેશે તેવું માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.