કોરોનાં કાળમાં બંધ કરાયેલ મોરબી એસટી ડેપોની અનેક રૂટની બસ આજ સુધી ફરી શરૂ ન કરાતા મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયા, જગદીશભાઇ બાંભણીયા,મુસાભાઇ બ્લોચ, જીજ્ઞેશભાઇ પંડયા સહિતનાઓએ બસો ચાલુ કરાવવાની માંગ સાથે મુખ્યમંત્રી, ડેપો મેનેજર સહિતનાઓએ લેખિત રજુઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબી – કરજણ રાત્રી બસ સેવા જે મોરબીથી છેલ્લી બસ હતી તેમજ મોરબી – અંબાજી વાયા પાટડી બજાણા તેમજ મોરબીથી સવારે વહેલી બસ મોરબી – રાજકોટ જે સવારે ૫-૩૦ કલાકે મોરબીથી ઉપડતી જે પણ આવકના બહાના હેઠળ બંધ કરવામાં આવેલ છે. એટલું જ નહીં ટંકારામાં નવું બસ સ્ટેન્ડ બનાવેલ છે પરંતુ બસ હાલ ટંકારા ડેપોમાં જતી નથી અને વિધાર્થીઓને તથા પ્રજાજનોને હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેને પગલે કરોડોના ખર્ચે તૈયાર થયેલ બસ સ્ટેશન હાલ શોભાના ગાંઠીયા સમાન છે. તેમજ ગ્રામીણ વિસ્તારના ધણા રૂટ બંધ કરી દેવામાં આવેલ છે . જેથી ગ્રામ્ય વિસ્તારની પ્રજાજનોને ના છુટકે છકડા રીક્ષામાં તથા પ્રાઇવેટ વાહનોમાં જાનની જોખમે મુસાફરી કરવાની ફરજ પડે છે. સરકાર એસ.ટી. નિગમ કે કરોડો રૂપિયા ગ્રાટ આપે છે નવી બસો આપતા હોવા છતા સ્થાનીક અધિકારીઓના પાપે લોકો સુવિધા વિહોણા છે.
તાજેતરમાં રાજકોટના એસ.ટી. અધિકારીઓ મોરબી ડેપો ખાતે આવેલ અને સુચનાઓ આપેલ પરંતુ તેનો અમલ ન થયો હોય તેવુ લાગી રહ્યું છે. આ અંગે ઘટતું કરવા માંગ ઉઠી છે.