વીજ કંપનીની લાલિયાવાડીના કારણે વીજ કનેક્શન ન મળ્યું હોવા છતાં લાઇટ બીલ આવતા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. આવા બનાવમાં વધુ એક કિસ્સાનો ઉમેરો હળવદના વેગડવાવ ગામે થયો છે. અહીંયા ખેડૂત પાસે વીજ કનેક્શન પહોંચ્યુ નથી છતાં તેને બીલ આવવા લાગ્યું છે. જાણીને આશ્ચર્ય લાગતી આ ઘટના પીજીવીસીએલના વિકાસની નિશાની છે.
બનાવની વિગતો એવી છે કે હળવદ તાલુકાના વેગડવાવ ગામે એક ખેડૂતને છેલ્લા બે સાઇકલના વીજ બીલ મળ્યા છે. જોકે, ખેડૂતની વાડીએ હજુ સુધી મીટર પહોંચ્યું નથી. પ્રશ્ન એ થાય કે મીટર નથી તો બીલ કેવી રીતે આવી ગયું. જ્યારે ખેડૂતને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે જે સમગ્ર માહિતી આપી તે ચોંકાવનારી હતી. હકિકતે વેગડવાવના આ ખેડૂતે પોતાની વાડી માટે થ્રી ફેઝ કનેક્શન માટે મીટર અને ટીસી માટે અરજી કરી હતી. છ મહિના જૂની અરજીમાં ખેડૂતે વારંવરા ધક્કા ખાધા તેમ છતાં તેના સુધી મીટર કે ટીસી તો પહોંચ્યું જ નથી પરંતુ હા તેને છેલ્લા બે વખતથી લાઇટબીલ મળી રહ્યુ છે. લાઇટબીલ આવતા ખેડૂત પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. હાસ્યસ્પદ સ્થિતિ અંગે તેમણે જાતે માહિતી આપી હતી. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના વિકાસે એવી તો કેવી હરણફાળ ભરી છે કે મીટર નથી છતા બીલ પહોંચવા લાગ્યું. કાશ વીજ કંપનીના બાબુઓએ બીલ કરતા ટીસીમાં ધ્યાન આપ્યું હોત તો ખેડૂતોને આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હોત. હવે આગામી સમયમાં આ ખેડૂત સુધી કનેક્શન પહોંચે છે કે કેમ તે તો હવે જોવું જ રહ્યું. જોકે, હાલ આ કિસ્સાએ પંથકમાં ચર્ચા જગાવી છે.
હકિકતમાં રાજ્ય સરકારે થોડા સમય પહેલાં જ ખેડૂતને દિવસે વીજળી આપવાનો નિર્ધાર કર્યો છે. આ કાર્યક્રમનો પ્રારંભ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને સિંચાઈ માટે મોટર ચલાવવા રાત્રિના જ વીજળી મળતી હતી તેના બદલે આઠ કલાકની નિરંતર વીજળી દિવસ દરમિયાન આપવાની યોજના ગુજરાત સરાકરે અમલમાં મૂકી છે. આ યોજનાનો પ્રચાર પણ થઈ રહ્યો છે. થ્રી ફેઝ લાઇન ખેતીવાડી માટે મુખ્ય જરૂરિયાત હોવાથી આ ખેડૂતે તેના માટે અરજી કરી હતી. જોકે, ખેડૂતને મીટર પહેલાં જ બીલ મળતા તેણે આ અંગે જાણકારી વહેતી કરી હતી.