ચા-પાનના લારી ગલ્લે એકઠી થતી ભીડ તથા રાત્રે નવ પછી કામ વગર ખોટા આટાફેરા કરનારાઓ સામે પોલીસની લાલ આંખ, ટેસ્ટિંગ વધારાશે…
મોરબી જીલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડવા તથા પ્રવર્તમાન સ્થિતિને અંકુશમાં લેવા આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા ફરમાન થતાં આજે જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને અગત્યની બેઠક મળી હતી જેમાં કોરોના ટેસ્ટ વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જીલ્લામાં હાલમાં પાંચ સ્થળે કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યું છે તેમાં વધારો કરી આઠ સેન્ટર ઉપર ટેસ્ટિંગ કરવા નક્કી કરી બંધ થઇ ગયેલા કોવિડ કેર સેન્ટર ફરી શરુ કરવાની સાથે સખાવતી સંસ્થા દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા તૈયારી દર્શાવવામાં આવે તો સેન્ટર શરૂ કરવા મંજુરી આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં પોલીસને વિશેષ જવાબદારી સુપ્રત કરી ચા અને પાનની લારી ગલ્લે ઉમટી રહેલી ભીડને નિયંત્રિત કરવા અને રાત્રીના નવ વાગ્યા બાદ કામ વગર ખોટા આંટાફેરા કરતા તત્વો સામે પણ લાલ આંખ કરવા આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
જીલ્લા કલેકટરનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં પાલિકા,આરોગ્ય, આઇએમએ, પોલીસ, ડીડીઓ સહિતના અધિકારીઓ ઉપરાંત સીરામીક એસોસીએશનના આગેવાનો પણ હાજર રહ્યા હતા.