રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી અપાઇ : રાજ્ય સરકારની કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર સાદાઇથી ઉજવણી કરાઇ
૭૫માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મોરબીના પોલીસ પરેડના ગ્રાઉન્ડ ખાતે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાના હસ્તે તીરંગાને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા અપાયેલ ગાઇડલાઇન મુજબ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આન બાન અને શાન સાથે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાના વરદ્દ હસ્તે તીરંગો ફરકાવ્યા બાદ જિલ્લા કલેકટર જે.બી. પટેલ અને જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની આગેવાની હેઠળ ખુલ્લી જીપમાં પોલીસ જવાનોની પરેડનું નિરીક્ષણ કરી સિમિત સંખ્યામાં ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્રસંગે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાએ દેશની આઝાદી માટે દેશના વીર સપૂતો અને આઝાદીના લડવૈયાઓનું સ્મરણ કરી તેમને વંદન કર્યા હતા. દેશની આઝાદી માટે શહીદ થયેલા તમામ વીરો, આઝાદીના લડવૈયાઓ, મહાપુરુષો તેમજ શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપીને પ્રજાજોગ કરેલ ઉદ્દબોધનમાં રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લામાં થયેલા વિકાસ કાર્યો અંગે સૌને વાકેફ કર્યા હતા.
જિલ્લામાં ગત વર્ષ અને ચાલુ વર્ષ દરમિયાન થયેલા અને પ્રગતિ હેઠળના વિકાસ કાર્યો અંગે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાએ પ્રકાશ પાડ્યો હતો. કોરોના મહામારી વચ્ચે મોરબી જિલ્લામાં આરોગ્ય, પોલીસ, શિક્ષણ વિભાગ, મહેસુલ વિભાગ, ગ્રામ પંચાયતો, ૧૦૮ની ટીમો દ્વારા કરવામાં આવેલ કાર્યોનો ઉલ્લેખ કરી અભિનંદન પાઠવી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર મોરબી જિલ્લો વિકાસના પથ પર પ્રગતિ કરી રહ્યો છે તેમાં શિક્ષણ, ખેતી, ઉદ્યોગ, આરોગ્ય, રોડ-રસ્તા સહિત સરકારની વિવિધ યોજનાઓની અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ ઉપરાંત કોવીડ-૧૯ કોરોના મહામારીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કોરોના વોરિયર્સનું રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વિશેષ બહુમાન કરાયું હતુ. કાર્યક્રમના અંતે મહેમાનો અને અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા, અધિક નિવાસી કલેકટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, ડીવાયએસપી રાધિકા ભારાઇ, હર્ષ ઉપાધ્યાય, મુનાફખાન પઠાણ, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન, જિલ્લા શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી, કાર્યપાલક ઇજનેર જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ દલર્ભજી દેથરીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી ભાજપ મહામંત્રી જયોતિસિંહ જાડેજા, મોરબી સીટી મામલતદાર રૂપાપરા, મોરબી ગ્રામ્ય મામલતદાર જાડેજા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, તાલુકા વિકાસ અધિકારી ગોહિલ સહિત સિમિત સંખ્યામાં અધિકારી, પદાધિકારીઓ સહિત સરકારી કર્મચારીઓ, હોદ્દેદારો, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.