મોરબી જિલ્લામાં સસ્તા અનાજના દુકાનદારોખુલ્લે આમ ગરીબ લોકોના હિસ્સાનું અનાજ, કેરોસીન, ચોખા સહિતનો જથ્થો કાળાબજારમાં વેચી રહ્યા છે તેવામાં જિલ્લા પુરવઠા અધિકારીએ ગત.૧૨ ઓગસ્ટ નાં રોજ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસની ઝપટે ચડી ગયેલા અને કાળાબજારમાં સંડોવાયેલા એક સામટા સાત સસ્તા અનાજના વિક્રેતાઓને ગેરરીતિ સબબ રૂપિયા ૨૧ લાખનો દંડ ફટકારતા કાળાબજારી કરતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેશનકાર્ડ ધારકોની જાણ બહાર ગેમસ્કેન અને સેવડેટા નામના સોફ્ટવેરથી ગરીબોના હિસ્સાનું રાશન બારોબાર હડપ કરી જનારા સસ્તા અનાજના દુકાનદારોના રાજ્યવાપી કૌભાંડ નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેમાં મોરબી જિલ્લામાં પણ સાત સંચાલકોની સંડોવણી ખુલી હતી. જેમના વિરુદ્ધ મોરબી જિલ્લા પુરવઠા અધિકારીએ આઇપીસી કલમ ૪૦૯, ૪૬૪, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી), આવશ્યક ધારા તેમજ ઈનફર્મેશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં મોરબી જિલ્લાના પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડે સમગ્ર મામલે કેસ ચલાવી મોરબી તાલુકાના ચાર અને માળીયા તાલુકાના ત્રણ દુકાનદારોને કુલ રૂપિયા ૨૧ લાખનો દંડ ફટકાર્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં બે વર્ષ પેહલા પકડાયેલા અનાંજનાં જથ્થાનાં કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં ગેમસ્કેન અને સેવડેટા નામના સોફ્ટવેરની મદદથી કાર્ડધારકોનુ અનાજ દુકાનદાર દ્વારા બારોબાર ચાઉં કરી જવામાં આવતું હતું.
ઉલ્લેખનીય છે કે, મોરબી તાલુકાના લૂંટાવદર,લાલપર,લીલાપર અને નનીવાવડી ગામના વ્યાજબી ભાવના દુકાનદારોને અને માળીયા તાલુકામાં મેઘપર ગામે વ્યાજબી ભાવની દુકાનને ૨,૪૬,૩૩૮,નાની બરાર ગામે વ્યાજબી ભાવની દુકાનને ૫,૬૨,૨૭૧ અને જાજાસર વ્યાજબી ભાવના દુકાનદારને ૭,૮૬,૧૧૪ રૂપિયાનો દંડ અને પણ ગરીબોના હિસ્સાનો રાશન કાળાબજારમાં વેચી મારવાના ગોરખધંધા કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે જેથી કુલ ૨૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.