ટાયર ફાટતાં હાઇવે પર ટ્રક ઉભો હતો, પાછળથી બલ્કરે ટક્કર મારતાં કચ્છના ચાલકનું સ્થળ ઉપર મોત.
માળીયા(મી) નજીક કંડલા-મોરબી નેશનલ હાઇવે પર દેવ સોલ્ટ નજીક બંધ પડેલા ટ્રક-ટ્રેલરના પાછળના ભાગે બલ્કર વાહન અથડાતા તેના ચાલક ઈસ્માઈલ સુમરાનું મોત થયું હતું. બનાવ અંગે ટ્રકના ચાલકની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે બલ્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ગત તા.૧ ઓક્ટોબરની રાત્રે સામખીયાળીથી કુરંગા તરફ મીઠું ભરેલો ટ્રક-ટ્રેલર લઈ જઈ રહેલા ડ્રાઈવર મદનસિંહ રતનસિંહ રાવત ઉવ.૩૧ રહે. લક્ષ્મીપુરા ગામ તા.આસીન્દ જી.ભીલવાડા રાજસ્થાન વાળા માળીયા(મી) નજીક દેવ સોલ્ટ પાસે પહોંચતા ટ્રક ટાયર ફાટવાથી બંધ પડી ગયો હતો. જેથી ટ્રકની પાર્કિંગ લાઈટ ચાલુ કરી ડ્રાઈવર તથા ક્લીનર પાછળના ભાગે ઉભા રહી આવતા વાહનોને સાઈડમાં જવા ઈશારા કરતા હતા. આ દરમિયાન જીજે-૧૨-બીવાય-૯૬૬૬ નંબરનું બલ્કર વાહન ટ્રક-ટ્રેલરના પાછળના ભાગે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માતમાં બલ્કર ચાલક ઈસ્માઈલ હાસમ સુમરા ઉવ.૩૨ રહે. ડુમરા ગામ તા.અબડાસા જી.કચ્છ વાળાને ગંભીર ઈજા થતાં માળીયા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મોતના બનાવ અંગે માળીયા(મી) પોલીસે મૃતક બલ્કર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






