ભવાઈ કળાને ગુજરાત જ નહીં દેશના સીમાડા વટાવી વિદેશમાં પહોંચાડવામાં જેનું અમૂલ્ય યોગદાન રહ્યું છે તેવા મોરબીના જાણીતા વ્યાસ હરિભાઈ પૈજાનું અવસાન થતાં પૌરાણિક ભવાઈ મંડળના એક યુગનો અંત થયો છે અને ભવાઈ મંડળના ગગનમાં ક્યારેય ન પૂરાઈ તેવુ ગાબડું પડ્યું છે.
અમેરિકા,ઇંગ્લેન્ડ,ઈરાન,વેસ્ટ ઇન્ડીઝ, સુરીનામ તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ ભારતમાં ભવાઇના કામણગારા ઓજસ પાથરી અને ખ્યાતનામ કલાકાર હરિલાલ કાનજીભાઈ પૈજાએ આજે ટુંકી માંદગી બાદ આખરી શ્વાસ લીધા છે.મોરબીના હરિલાલ કાનજીભાઈ પૈજા જેઓએ પોતાની આખી જિંદગી ભવાઇ કળાના ખેડાણમા ખર્ચી નાખી અને છેલ્લા 40 વર્ષથી સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ- ખાખરાળાના નાયક તરીકેની યશસ્વી જવાબદારી અદા કરી ભવાઈ કળાને લોક માનસ પાર જીવિત રાખી હતી. આજે તેઓની અણધારી વિદાયથી ભવાઈ કલાને ક્યારેયનો પૂરી શકાય તેવી ખોટ પડી છે. ભવાઈ કલાનું અવિભાજ્ય અંગ ભૂંગળના સારામાં સારા વાદકના અવસાનથી તેઓનો ચાલક વર્ગ ઘેરા શોકના સમુદ્રમાં ડૂબ્યો છે.
ઉલ્લેખનીય છે કે હરિભાઈ પૈજાએ ભવાઇના અનેક વેશો ભજવી સમાજના વિકાસ અને સમાજ જાગૃતિમા પણ મહત્વનું યોગદાન આપ્યું છે. હરિભાઈએ ભવાઈ ક્ષેત્રે અઢળક સન્માન અને એવોર્ડ મેળવ્યા છે.
——–હરિભાઈ પૈજાનું ભવાઈ ક્ષેત્રે ખેડાણ——–
હરિભાઈ પૈજા નો જન્મ 6-10-1951ના રોજ થયો હતો ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ દરમિયાન પણ તેઓ નાટક રચતા હતા. શિક્ષણ કાળમાં પણ મૂળ ભવાઈનો જીવ હોવાથી હરિભાઈને શિક્ષણમા રસ પડ્યો ન હતો જેથી તેઓએ 1962માં ભવાઈની દુનિયામાં ડગ મંડ્યા હતા જેની શરૂઆત રાજકોટની બાજુમાં આવેલ પાળ ગામેથી કરી હતી. જેમાં નાટકમાં સૂબા, સુમરા, દશરાશ, મેઘનાથ સહિતના પાત્રો ભજવ્યા હતા. ત્યારબાદ તેઓને કરુણ પત્રોમાં રુચિ હોવાથી રા માંડલીક સહિત અનેક પાત્ર ભજવ્યા હતા. વધુમાં તેઓને રામ રાવણ વેશમાં મલનું પાત્ર અદ્દભુત પ્રિય હતું.હરિભાઈના શબ્દોમા કહીએ તો સમાજમાં પડતા સડાને દુર કરવાનું કામ ભવાઈએ કર્યું છે. જ્યારે લોકો દીકરીઓના રૂપિયા લેતા ત્યારે કન્યારૂઠી નો વેશ અને કજોડાના વેશ રચી ભવાઈએ સમાજમાં ચેતનવંતા પ્રાણ પુરી દીકરા દીકરીઓના સમ ઉંમરમાં લગ્નનો સંદેશો પ્રસરાવ્યો હતો.હરિભાઈ પૈજાએ સૌરાષ્ટ્ર, ગુજરાત તેમજ ભારત જ નહીં પરંતુ 1977ની સાલમાં ભવાઈ કળાને દેશના સીમાડા વટાવી ઈરાનમાં પહોંચાડી હતી ત્યારબાદ 1988મા ઇંગ્લેન્ડમાં ગયા હતા. ત્યાં ઈંગ્લીશના કલાકારો સાથે ઇંગ્લિશ બોલિને પણ નાટકો રજૂ કર્યા હતા. અને ભારતના જોધપુર, ઉદયપુર, દિલ્હી, રાજસ્થાન સહિત દેશના ખૂણે ખૂણે કાર્યક્રમો યોજ્યા હતા.
પુરુષાર્થ વગર પ્રભુ પ્રાપ્તિ શક્ય નથી તેમ હરિભાઈ એ ભવાઈ કલામાં રસ રૂચી સાથે ભારે સંઘર્ષ કરી ભવાઈને પોતાના જીવનની પર્યાય બનાવી હતી. શરૂઆયના સમયમાં વાહન અને વીજળીની સુવિધા ન હોવાથી તેઓએ ઘોડા પર સવારી કરીને ભવાઇની શરૂઆત કરી હતી.