કન્યા છત્રાલય રોડ ઉપર બિલ્ડરે ફ્લેટનો પ્રોજેક્ટ મુક્યા બાદ ફ્લેટ માટેનો પ્લોટ જ અન્યને વેચી મારતા ફરિયાદ
મોરબી : મોરબીમાં પણ હવે રાજકોટ જેવા જમીન મકાનના કૌભાંડો થવા લાગ્યા છે, તાજેતરમાં જમીનના દલાલોએ બોગસ ડૉક્યુમેન્ટના આધારે સોદાખત બનાવી ત્રણ કરોડની છેતરપિંડી કર્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં કન્યા છાત્રાલય રોડ ઉપર સાત માળના બિલ્ડિંગનો પ્રોજેક્ટ મૂકી ત્રણ આસામીઓના ફ્લેટ બુક કરી કટકે-કટકે રૂપિયા 60.51લાખ પડાવી લઈ બાદમાં આ ફ્લેટનીજમીન જ અન્યોને વેચી મારી ઠગાઈ કરતા આ બિલ્ડર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કન્યાશાળા રોડ ઉપર વર્ષ 2018માં સાત માળનું બિલ્ડીંગ બનાવવા અવની ચોકડી પાસે મયુરપાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર રાજેશભાઇ થોભણભાઇ સનીયારાએ પ્રોજેક્ટ મુક્તા મોરબીમાં એલ્યુમિનિયમ સેક્શનનો વ્યાપાર કરતા ધીરજલાલ જાદવજીભાઇ વરમોરાએ 701 નંબરનો ફ્લેટ બુક કરાવ્યો હતો અને તેમના ભાઈ કાંતિલાલ જાદવજીભાઇ વરમોરાએ 702 નંબરનો ફ્લેટ બુક કરાવી બન્ને ભાઈઓએ સુથી આપી હતી. આ ઉપરાંત મગનભાઇ લક્ષ્મણભાઇ મેરજાએ પણ ફ્લેટ નંબર 201 બુક કરાવી સુથી આપી હતી.
બીજી તરફ ચાર વર્ષ પહેલા ફ્લેટ બુક કરાવનાર ત્રણેય આસામીઓએ કટકે – કટકે બિલ્ડર રાજેશભાઇ થોભણભાઇ સનીયારાને અનુક્રમે રૂપિયા 60 લાખ 51 હજાર જેટલી રકમ ત્રણેય અસામીઓએ ચૂકવી આપ્યા બાદ બિલ્ડર રાજેશભાઇ થોભણભાઇ સનીયારાએ ત્રણેય ફ્લેટ ખરીદનારાઓને સોદાખત કરી આપી વાયદાઓ કર્યે રાખ્યા હતા અને જયારે પોતાની મૂડી બિલ્ડરને હવાલે કરનાર ત્રણેય લોકોએ તપાસ કરતા બિલ્ડર રાજેશભાઇ થોભણભાઇ સનીયારાએ ફ્લેટની જગ્યા જ અન્ય બે લોકોને વેચી મારી હોવાનું સામે આવ્યું હતું.
દરમિયાન આ મામલે છેતરપિંડીનો ભોગ બનેલા ધીરજલાલ જાદવજીભાઇ વરમોરાએ બિલ્ડર રાજેશભાઇ થોભણભાઇ સનીયારા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 406, 420 મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.