હાલના આધુનિક યુગમાં સાઇબર ક્રાઇમની વધુ એક નવી રીત સામે આવી છે. જેમાં મોરબી સિરામિક એસોસિયેશનના પૂર્વ પ્રમુખને જ છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇ ખુદ ભોગબનનારે જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકોને આ ફ્રોડમાં ફસાતા બચવા અપીલ કરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી સિરામિક એસોસિયેશનના પૂર્વ પ્રમુખ નિલેશ જેતપરીયા સાથે છેતરપિંડીનો પ્રયાસ થયો હતો. જેમાં ઓનલાઇન વસ્તુ મંગાવી ન હોવા છતાં તેમના ઘરે પાર્સલ પહોચ્યું હતું. ત્યારે આ ફ્રોડને લઈ નિલેશ જેતપરીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, કંઇ પણ વસ્તુ ઓનલાઇન મંગાવ્યા વગર ઘેર પાર્સલ આવ્યુ અને રૂ.૫૯૦ આપીને છોડાવ્યુ ત્યારે અંદરથી આ વસ્તુ નિકળી. કુરીયરવારાનો ફોન આવ્યો તો ઘેર પાર્સલ લેવાનુ કહ્યુ કે પેમેન્ટ કરીને લઇ લેજો. ત્યારે આ રીતે ઓનલાઇન શોપીંગમા આવી ચીટર ગેંગ કાર્યરત થઇ હોય તેવું લાગે છે. આ પાર્સલમા કયાય મોકલનારના નંબર પણ નથી. સોશ્યલ મીડીયામા મુકવાનો ઉદેશ્ય એ છે કે આવા ચીટર ગેંગથી બીજા લોકો બચે. ખાસ નોંધવા જેવુ એ પણ છે કે, આ એડ્રેસ કયાથી મળ્યુ આનો મતલબ એ કે અગાઉ ઓનલાઇન કે ખરીદીમા વપરાયેલ એડ્રેસનો ડેટા પણ ચોરાયેલ હશે. આવા લોકો સાથે શુ કરવુ જોઇયે ?? તેવી નિલેશ જેતપરીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.