હળવદની શિવમ સોલ્ડ ઇન્ડસ્ટ્રીમાં ટાટાના પેકિંગ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને તેમાં નકલી મીઠું ભરીને તેનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ હળવદ પોલીસ સ્ટેશનમાં ઈન્વેસ્ટીગેશન એન્ડ સીક્યુરીટી પ્રા.લિ.ના એક્ઝિક્યુટિવ દ્વારા આરોપી વિરુધ્ધ ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ ખાતે આવેલી શિવમ સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝના માલિક ગોપાલ બાબુલાલ ઠક્કર દ્વારા શિવમ સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ પ્લોટ નં.૮૪-૮૫ જી.આઈ.ડી.સી. ઈસ્ટેટ ખાતે ટાટા કંપનીનુ ડુપ્લીકેટ માર્ક વાળા પેકિંગમા ડુપ્લીકેટ સોલ્ટનું ઉત્પાદન તથા વેચાણ કરવામાં આવતું હોય જેની જાણ થતા જ દિલ્હી સ્થિત અનુસંધાન ઈન્વેસ્ટીગેશન એન્ડ સીક્યુરીટી પ્રા.લિ.ના IPR એક્ઝિક્યુટિવ રોહીતકુમાર ઉર્વેશકુમાર કર્ણાવત દ્વારા હળવદ પોલીસ સાથે ગત તા.૦૯/૧૨/૨૦૨૩ના રોજ શિવમ સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ ખાતે રેઇડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી ટાટા સોલ્ટ કંપનીના પ્લાસ્ટીકના પ્રીન્ટેડ વીથ SUPER GOLD Salt લખેલ ટાટા કંપનીના લોગો તથા કલર તથા ડીઝાઇન સાથે હળતા મળતા સામ્યતા ધરાવતા રૂ.૩૦,૦૦૦ની કિંમતનાં ૧૦૦ રોલ તથા રૂ.૩૦,૦૦૦ની કિંમતની ૨૦,૦૦૦ મીઠાની ખાલી બેગો સહિત કુલ રૂ. ૬૦,૦૦૦નો મુદામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી ગોપાલ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.