પાઇપ અને લાકડીઓ વડે આડેધડ માર મારવાના બનાવમાં પરિવારના બે સભ્યોના હાથમાં ફ્રેક્ચર, મહિલા સહિત અનેકને ઈજા.
વાંકાનેર તાલુકાના આણંદપર ગામે મોટરસાઇકલ જનકભાઈ રહે.વિઠ્ઠલપર વાળાની પત્નીના ખાટલા સાથે અડવાની બાબતનો ખાર રાખીને ચાર શખ્સોએ એક પરિવાર સાથે ઝઘડો કરી પાઇપ અને લાકડીઓ વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનામાં ફરિયાદી સહિત પરિવારના અનેક સભ્યોને ઈજા થતાં સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, કુકાભાઈ તખાભાઈ પરમાર ઉવ.૩૮ રહે. આણંદપર તા. વાંકાનેર વાળાએ આરોપી (૧)જનકભાઈ વજાભાઇ સીંધવ રહે. વીઠલપર, (૨)અજય ભવાનભાઈ ચૌહાણ (૩)શૈલેષભાઈ જગાભાઈ ચૌહાણ રહે.વીઠલપર તથા (૪)રાહુલ ફુલાભાઇ ચૌહાણ રહે.વાંકાનેર નર્સરી ચોકડી વાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગઈકાલ તા.૨૨/૧૦ના રોજ કુકાભાઈ પરમાર પરિવારના સભ્યો સાથે ઘર પાસે હાજર હતા. તે દરમિયાન આરોપી જનકભાઈ સીંધવ, અજય ચૌહાણ, શૈલેષભાઈ ચૌહાણ અને રાહુલ ચૌહાણ ત્યાં આવ્યા હતા. ફરિયાદીના ભત્રીજા શૈલેષ ઘુઘાભાઈ પરમારે જનકભાઈની પત્ની પુનમબેનના ખાટલા સાથે બાઈક અડાડ્યું હોવાની બાબતે બોલાચાલી શરૂ થઈ હતી.
બોલાચાલી ઉગ્ર બનતાં ચારેય શખ્સોએ પાઇપ અને લાકડીઓ વડે પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. તેમાં કુકાભાઈને ડાબા હાથની કાંડા પાસે ફ્રેક્ચર અને માથામાં ઈજા થઈ હતી. તના ભાઈ મનસુખભાઈને કપાળમાં ટાંકા આવે તેવી ઈજા, ઘોઘાભાઈને હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા તથા પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. જ્યારે કાળુભાઈ અને મંગુબેનને પણ માર મારવામાં આવતાં તેઓને મૂંઢ ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






