મોરબી જિલ્લામાં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે. મમુ દાઢીની હત્યા કેસમાં સંડોવાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક સહિતની કલમનો ઉમેરો કરી આગળની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે.
મોરબીમાં ગત તા.7 સપ્ટેમ્બરના રોજ મોરબી- કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ નજીક રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ફોર્ચ્યુનર કારને આંતરી ફાયરિંગ કરાયું હતું જેમાં હનીફ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢીની હત્યા કરી હતી. આ ઘટના અંગે પોલીસે તેર શખ્સો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ મામલે જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ જણાવ્યું હતું કે આ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તથા સતત ગુનાહિત પ્રવૃતિઓ કરતા હોવાથી તમામ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા કોર્ટ સમક્ષ રજૂઆત કરાતા કોર્ટે આરોપીઓ ઇસ્માઇલ બ્લોચ, ઈરફાન બ્લોચ, ઇલ્યાસ ડોસાણી, એજાજ ચાનીયા, રફીક માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ, જુનેદ હુસેન ચાનીયા, અસલમ ઉર્ફે ટાવર, કૌશલ ઉર્ફે કવો, સુનિલ ઉમેશ સોલંકી અને ઈરફાન અલ્લારખાભાઈ ચિચોદરા સહિત ગુન્હામાં પકડાયેલ તમામ આરોપીઓ અને ભવિષ્યમાં તપાસ માં નામ ખૂલતાં તમામ વિરુદ્ધ ગુજસીટોકની કલમ ઉમેરવા જણાવાયું છે. આ ઉપરાંત તપાસમાં જે લોકોની સંડોવણી ખુલે તે તમામ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત આગળની કાર્યવાહી ડીવાયએસપી કરશે તેમ અંતમાં જણાવ્યું હતું.