મોરબી – કંડલા બાયપાસ પરના આરટીઓ નજીક આવેલ જર્જરિત પુલને નવનિર્માણ કાર્યને પગલે 85 ટકા ભરેલ મચ્છુ-3 ડેમ ખાલી રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને આગામી તા.24ના થી ડેમનો જળ પ્રવાહ ખાલી કરવાના કામનો પ્રારંભ થશે. આ કાર્યવાહીને લઈને મચ્છુ-3 ડેમના નીંચાણવાળા મોરબી તાલુકાના 16 અને માળીયા તાલુકાના આઠ મળી કુલ 24 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.
મોરબી બાયપાસ પર આવેલ આરટીઓ કચેરી નજીકનો પુલ જર્જરિત થયો હોવાથી આ પુલને નવો બનાવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ બે વર્ષથી મચ્છુ-3 ડેમમાં પુષ્કળ પાણી હોવાથી નિર્માણકાર્ય અટવાયેલ પડ્યું હતું. આ સંજોગોમાં નર્મદા જળસંપત્તિ અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા મચ્છુ-3 ડેમ ખાલી કરી પુલનું કામ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે જેને લઈને સિંચાઈ વિભાગ દ્વારા આગામી તા.24 માર્ચના રોજ સવાર 9 વાગ્યાથી ડેમ ખાલી કરવા નિર્ણય લેવાયો છે.
આ અંગે મોરબી સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેરના જણાવ્યા અનુસાર મચ્છુ-3 ડેમમાં હાલમાં 278.44 એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહિત છે. જેને ઉલેચવા પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલ્યા બાદ જે પાણીનો જથ્થો મચ્છુ નદી પરના ખાલી ચેકડેમ ભરવામાં ઠાલવવામા આવશે.વધુમાં પાણી ખાલી કરવામાં આવતું હોવાથી મચ્છુ-3 હેઠળ આવતા મોરબી તાલુકાના હેઠવાસના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકો, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, સોખડા, લક્ષ્મીનગર, અમરેલી, ધરમપુર તેમજ માળિયા(મી) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસગપર, વિવદરકા, માળિયા(મી), હરીપર અને ફતેપર ગામના લોકોને નદીના પટ્ટમાં ન જવા સૂચના કરાઈ છે.