મોરબી એ ઓધ્યોગિક શહેર છે. ભૂતકાળમાં પોટરી અને નળીયા ઉદ્યોગ માટે તેમજ વર્તમાનમાં ઘળીયાળ અને સિરામિક ઉદ્યોગ માટે તેમજ પેપર મિલ, સનમાઇકા તેમજ અનેક ઉદ્યોગોથી ધમધમતું થયેલું મોરબી સૌરાષ્ટ્રનું મહત્વનું આર્થિક નગર બની ગયું છે તે જોતાં મોરબીના રાજાશાહી વખતના જૂના એરપોર્ટને પુનઃજીવિત કરી વિમાની સેવા આપવા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં અનેક વખત માંગણી કરી હતી અને ગુજરાત સરકારે આ રાજાશાહી વખતના જૂના એરોડ્રામને રૂ. ૪૦ કરોડના ખર્ચે પુનઃ જીવિત કરવા મંજૂર કરેલું છે. આ યોજનાના ભાગરૂપે એરપોર્ટ માટે પ્રથમ તબક્કામાં કમ્પાઉન્ડ વોલના કામ માટે રૂ. ૭ કરોડના ટેન્ડરને મંજૂરી પણ મળી ગઈ છે અને એજન્સી પણ નક્કી કરી દેવામાં આવી છે. હાલ જંગલ કટિંગ થઈ રહ્યું છે ત્યાં તાકીદે બાંધકામ હાથ ધરવા માર્ગ-મકાન વિભાગના સ્થાનિક ઈજનેરોને તાકીદ કરી વિના વિલંબે મોરબીને એરપોર્ટ સુવિધા મળે તે માટે તંત્રને સૂચના આપી હોવાનું યાદીમાં જણાવાયું છે.