મોરબી:હળવદના ડુંગરપુર ગામે રહેતો યુવક બાઈક લઈને જતો હોય ત્યારે તેના બાઈક સાથે મોરબી તાલુકાના આંદરણા ગામના રહેવાસીની સ્વીફ્ટ કાર અથડાઈ અકસ્માત થયો હતો જે બાબતે યુવકના પિતા સ્વીફ્ટ કાર ચાલકને આંદરણા ગામથી ચરાડવા જતા રોડ ઉપર આવેલ ભૈરુનાથ હોટલે સમજાવવા જતા ત્યાં સ્વીફ્ટ કારના ચાલક સહીત અન્ય ત્રણ શખ્સો સહીત કુલ ચાર શખ્સો દ્વારા યુવકના પિતાને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનનાર દ્વારા મોરબી તાલુકા પોલીસમાં ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા પ્રહલાદભાઇ કરશનભાઇ સુરાણી ઉવ. ૪૨ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી સ્વીફટ કારનો ચાલક વિનુ ભરવાડ રહે. આંદરણા તા.જી.મોરબી તથા ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી વિનુ ભરવાડે પ્રહલાદભાઇનો દીકરો બાઈક લઈને જતો હોય ત્યારે બાઈક સાથે સ્વીફટ કાર ભટકાડી અકસ્માત કર્યો હતો જેથી જે બાબતે ગત તા. ૩૦/૦૪ ના રોજ પ્રહલાદભાઈ આરોપી એવા સ્વીફ્ટ કારના ચાલક વિનુ ભરવાડને સમજાવવા આંદરણા ગામથી ચરાડવા જતા રોડ ઉપર આવેલ ભૈરુનાથ હોટલે જતા આરોપી વિનુ ભરવાડે પ્રહલાદભાઈ તથા તેની સાથેનાને ધોકા વળે માર મારી, ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી વિનુ ભરવાડ સાથેના અજાણ્યા ત્રણ શખ્સોએ પ્રહલાદભાઈની બંન્ને ગાડીના કાચ તોડી નુકશાન કરી એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવતા હાલ મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.