મોરબી જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકે અપમૃત્યુના વધુ ચાર બનાવો સામે આવ્યા છે. ચાર વ્યક્તિઓ અકાળે મોતને ભેટતા પરિવારના રોકકળાટ ફેલાયો છે.
મોરબીના વાવડી રોડ પર આવેલ ભાવેશભાઇ ગગુભાઇ અવાડીયા નામના ૪૦ વર્ષીય યુવાન મોરબી રવાપર રોડ પરના નક્ષત્ર એપાર્મેન્ટના મકાનમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અકસ્માતે બીજા માળેથી પડી ગયા હતા. જેથી તેઓને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. જે અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમા જાણ કરતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ આગળ ધપાવી છે.
અપમૃત્યુના વધુ એક કેસની જાણવા મળતી વિગત અનુસાર મોરબીના નવા જાંબુડીયા ધર્મસિધ્ધી સોસાયટીમાં રહેતા અજયભાઇ રમેશભાઇ પાટડીયા નામના ૨૨ વર્ષીય યુવાનને લખધીરપુર રોડ પરની વૈભવ હોટલ પાસેના મકાનમાં જોરદાર ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો. જેની જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યા ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યા હતા આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસે નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા મીઠીબેન જીવરાજભાઇ મેરૂભાઇ (ઉ.વ.૫૦) પોતાના ઘરે તા. ૧૪-૦૨ ના રોજ ચુલા ઉપર ચા બનાવતા હતા. આ વેળાએ ઓચીંતાની ચુલાની આગ તેઓના શરીરે પહેરેલ સાડી સાથે અડી ગઈ હતી જે અંગે બાદમાં જાણ થતા મહિલા શરીરે ગંભીર રીતે દાજી ગયા હતા.આથી સારવાર માટે હોસ્પિટલ રીફર કરાયા હતા જ્યા લાંબી સારવાર કારગત ન નિવડતા મહિલાએ હોસ્પિટલ બિછાને આખરી સ્વાસ ખેંચ્યા હતાં. આ મામલે હોસ્પિટલના તબીબે હળવદ પોલીસને જાણ કરતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત મોરબીના અમરનગર ગામના પાટીયાની સામે આવેલ કોજી સીરામીક કારખાનાના રૂમમા રહેતા હર્ષદભાઇ રમેશભાઇ સોડમિયા (ઉ.વ.૨૨) કારખાનાના રુમમા ગત તા. ૨૩/૦૪/૨૦૨૨ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ કોઇ કારણો સર ગળે ટુપો ખાઇ આપઘાતનોં પ્રયાસ કરી લીધો હતો. જેમાં યુવાનને હોસ્પિટલ લઈ જવતા ફરજ પરના ડોકટરે તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ અંગે સ્થાનિક પોલીસે નોંધ કરી યુવાને અંતિમ પગલું ભરી લીધા પાછળનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.