હળવદમાં વધુ એક મારમારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં ધરતીનગર સોસાયટીમાં ફોન ઉપાડવા જેવી નજીવી બાબતે ચાર આરોપીએ યુવાનને પાઇપ, ધોકા, તલવાર, છરી વડે હુમલો કરી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર આરોપી જીતેન્દ્રસિહ દરબાર તથા રાજદિપસિહ દરબારે સાહેદ મુન્નાભાઇના ફોનમાં ફોન કર્યો હતો જે ફોન ગોવિદભાઇ લાલાભાઇ દોરાલા (ઉ.વ.૨૬ રહે.સરભંડા તા હળવદ)એ ઉપાડી આરોપી સાથે વાતચીત કરતા આરોપીને પસંદ ન પડ્યું હતું. જે બાબતે આરોપીઓએ ગોવિંદભાઇને ગાળો આપી ત્યારબાદ ધરતીનગર સોસાયટીમા રહેતા શકિતસિહના મકાન નજીક જઇ આરોપી જીતેન્દ્રસિહ દરબાર તથા રાજદિપસિહ દરબાર અને અન્ય બે અજાણ્યા શખ્સો સહિત ચાર આરોપીઓએ લોખંડના પાઇપ તથા લાકડાના ધોકો, તલવાર તથા છરી જેવા હથીયાર લઈ ગોવિદભાઇ પર હુમલો કર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો હળવદ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.