રાજ્યમાં હાઈવે પર થતાં અકસ્માતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના આજે અમદાવાદ કચ્છ હાઇવે પર બની છે. જેમાં અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં હળવદના ગોલાસણ ગામના યુવકોની સ્વિફ્ટ કાર પલટી મારી ડિવાઈડર કુદાવી સામેની સાઈડ ઉપર જઈ રહેલા આઈસર સાથે અથડાઈ હતી. જેથી ચાર યુવકોના મોત નિપજ્યા હતા.જયારે બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ-કચ્છ હાઈવે પર સુરેન્દ્રનગરના ધાંગધ્રા બાયપાસ કુડા ચોકડી પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જઈને આઇસર સાથે અથડાતા અકસ્માતની ઘટના બની હતી, જેમાં હળવદના ગેલાસણના કિરણભાઈ મનુભાઈ, કરશનભાઈ ભરતભાઈ (ઉ.૨૩), ઉમેશભાઈ જગદીશભાઈનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ૪ વ્યકિતઓને સારવાર માટે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડેલ છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તો અમિતભાઈ જગદીશભાઇ, કાનાભાઈ રાયધનભાઈ તથા નરાળી ગામના એક વ્યકિત સહિત ૪ને સારવારમાંખસેડેલ છે. આ બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઘટનામાં ગાડીમાં સવાર લોકો હળવદ તાલુકા ગોલાસણ ગામના હોવાનું સામે આવ્યું છે તેઓ ધ્રાંગધ્રાથી પ્રસંગ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ અકસ્માતની ઘટના બની હતી. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.