મોરબી: માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ મોરબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જ આઈ.જી. તથા મોરબી જિલ્લા એસ.પી. દ્વારા જિલ્લામાં નાસતા ફરતા, પેરોલ જમ્પ અને જેલ ફરાર આરોપીઓને શોધી કાઢવા ખાસ સુચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટરે પેરોલ ફર્લો સ્કોડને સક્રિય બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન પો.સબ.ઇન્સ્પેક્ટર વી.જી. માલાણી તથા તેમની ટીમના સ્ટાફના કર્મચારીઓ નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, માળીયા (મીં.) પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ.ર.નં. ૦૯૦૫/૨૦૨૫ હેઠળ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) અને ૫૪ મુજબના ચોરીના ગુનામાં ફરાર આરોપી સલીમ ઉર્ફે સુલેમાન હૈદર જેડા હાલ માળીયા મિયાણા કોર્ટ પાસે ગોળાઈ વાળા રોડ ઉપર ઉભો છે. બાતમીના આધારે એલસીબી ટીમે સ્થળ પર વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી સલીમ ઉર્ફે સુલેમાન હૈદર જેડા/મીંયાણા (ઉ.વ. ૩૭), રહે. ભરવાડના વાડા વિસ્તાર, તા. માળીયા (મીં.) જી. મોરબી મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.






