રાજકોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. જેમાં ગુજરાત એ.ટી.એસ.ને મળેલ ખાનગી બાતમીનાં આધારે ગુજરાત એ.ટી.એસ., એન.સી.બી. દિલ્હી તથા ક્રાઈમ બ્રાંચ સુરત શહેરના સંયુક્ત ઓપરેશનમાં ખંઢેરી સ્ટેડિયમ પાછળ અવાવરૂ જગ્યાએથી રૂ. 214 કરોડની કિંમતનું 30.66 કિલો હેરોઇન ડ્રગ્સ ઝડપાયું હતું. તેમજ એક નાઈજીરીયન ઈસમની પણ ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ગુજરાત એ.ટી.એસ.ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પાકિસ્તાન કરાંચીના ડ્રગ્સ માફીયા હાજી અનવરનાએ હેરોઇનનો માલ બોટ મારફતે ગુજરાતના દરીયા કિનારે ઉતારેલ છે અને આ હેરોઇનનો જથ્થો જાફર નામના ઈસમે રાજકોટથી જામનગર તરફ જવાના રોડ ઉપર આવેલ ખંઢેરી સ્ટેડિયમના સામેના ભાગે આવેલ શ્રીજી ગૌશાળાથી ન્યારા ગામ તરફ જવાના કાચા રસ્તા પાસે ઝાડી ઝાંખરામા સંતાડેલ છે અને આ હેરોઇનનો માલ બબલુ નામનો માણસ વાહનમાં ભરી તેની દિલ્હી ખાતે કોઇ નાઇજીરીયનને ડીલીવરી કરનારો છે. જે બાતમીનાં આધારે ગત તા.૧૦/૦૫/૨૦૧૩ના રોજ ગુજરાત એ.ટી.એસ., એન.સી.બી. દિલ્હી તથા ક્રાઈમ બ્રાંચ સુરત શહેર દ્વારા સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ, જે દરમ્યાન શ્રીજી ગૌશાળાથી ન્યારા ગામ તરફ જવાના કાચા રસ્તા પાસે આવેલ ચેક ડેમની પાળી પાસે એક શંકાસ્પદ સફેદ મીણીયાનો મોટો કોથળો મળી આવેલ જેથી સ્થળ ઉપર સ્વતંત્ર પંચોની હાજરીમાં આ મળી આવેલ શંકાસ્પદ થેલાની તપાસ કરતા તેમાંથી ત્રણ મીણીયાના નાના થેલા મળી આવેલ, જેમાં કુલ ૩૧ પ્લાસ્ટીકના પેકેટ્સ મળી આવેલ. આ પ્લાસ્ટીકના પેકેટ્સમાં પાઉડર જેવો શંકાસ્પદ પદાર્થ હોવાનું જણાતા તેનું સ્થળ ઉપર નાર્કોટિક્સ ડ્રગ્સ ડીટેક્ટશન કિટની મદદથી પ્રાથમિક પરીક્ષણ કરતા મળી આવેલ શંકાસ્પદ પદાર્થ હેરોઈન હોવાનું ખૂલવા પામેલ આમ, કુલ ૩૧ પ્લાસ્ટીકના પેકેટ્સમાં ભરેલ ૩૦.૬૬ કિલો હેરોઈન, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિં રૂ ૨૧૪.૬૨ કરોડની થાય છે. જે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ હેરોઈનના જથ્થાની ડીલીવરી ઓકોયે નામના નાઈજીરીયન ઈસમને C-6B, આનંદ વિહાર, ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે થનાર હોઈ ગુજરાત એ.ટીએસ અને ક્રાઈમ બ્રાંચ સુરત શહેરની એક સંયુક્ત ટીમ દિલ્હી ખાતે રવાના કરવામાં આવેલ. ત્યારબાદ ગુજરાત એ.ટી એસ., ક્રાઈમ બ્રાંચ સુરત શહેર તથા એન.સી.બી., દિલ્હીની સંયુક્ત ટીમ દ્વારા C-6B, આનંદ વિહાર, ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે ઓકોર્યને શોધી કાઢવામાં આવેલ હતી. તેમજ આરોપીનાં મકાન ખાતે સર્ચ દરમ્યાન પાસપોર્ટના કેટલાક ડોક્યુમેન્ટસની ઝેરોક્ષ મળી આવેલ છે, જેની ખરાઈ કરતા તે ખોટા હોવાનું જાણવા મળેલ છે. તેમજ ઓકોયેનું ખરૂં નામ EKWUNIFE MARCY NWOGBO, S/o OKAFOR NWOGBO તથા કાયમી સરનામું લાગોસ સીટી, ઓસોડી, 24 સ્ટ્રીટ, બેલે, નાઈજીરીયાનું છે. હાલમાં તે C-B, આનંદ વિહાર, ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે ઓકોયે નામની ખોટી ઓળખ આપી ભાડેથી રહે છે. આ ઉપરાંત સર્ચ દરમ્યાન ઓકોયે પાસેથી મોબાઈલ ફોન મળી આવેલ છે, જેની તપાસ કરતા જાણવા મળેલ છે કે તે પાકિસ્તાની હેન્ડલર સાથે સંપર્કમાં છે. આ અંગે પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળેલ છે કે, Okoye @ EKWUNIFE MARCY ઓગસ્ટ, ૨૦૨૨ થી ખોટી ઓળખ આધારે ઉત્તમ નગર, નવી દિલ્હી ખાતે ઉપરોક્ત સરનામાં ઉપર ભાડેથી રહે છે અને નાર્કો ટ્રાફીકીંગના ધંધામાં સંડોવાયેલ છે. Okoye EKWUNIFE MARCYએ આ જ કામ માટે પકડાયાના બે દિવસ અગાઉ અન્ય એક જગ્યાએ મકાન ભાડેથી રાખેલ હોવાનું ખુલવા પામેલ છે, જે મકાનમાં તે માદક પદાર્થોની ડીલીવરી મેળવી તેનો સંગ્રહ કરી બાદમાં તેનું વેચાણ કરનાર હતો. ત્યારે સમગ્ર મામલે એ.ટી.એસ. ખાતે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે. પકડાયેલ આરોપી આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતો, તેણે હેરોઈન તથા અન્ય માદક પદાર્થ આ અગાઉ કઈ-કઈ જગ્યાએ તથા કોને વેચાણ કરેલ અને એ માટે તેને નાણા કઈ રીતે મળતા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ્સ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે સઘન તપાસ ચાલુમાં છે.