પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે હળવદનાં કવાડીયા પાટીયા પાસે એક તેલ ભરેલુ ટેન્કર પલટી મારી ગયાનો બનાવ સામે આવ્યો હતો. વહેલી સવારે ધ્રાંગધ્રા તરફથી આવતું એક તેલ ભરેલું ટેન્કર કવાડીયા ગામનાં પાટીયા નજીક કોઈ કારણસર અચાનક પલટી મારી જતાં તેલની રેલમછેલ થઈ હતી અને તેલનાં તલાવડા ભરાયા હતાં. બનાવ અંગે લોકોને જાણ થતાં લોકોએ ડોલ, ડબલા, કેરબા વગેરે વાસણો લઈ તેલ લેવા દોટ મુકી હતી અને તેલ લેવા પડાપડી કરી હતી. ઘટનાને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લોકોને હટાવીને ટ્રાફિક ક્લિયર કર્યો હતો.