યોગ્ય વળતરની માંગ સાથે ખેડુતોએ કર્યો હાઈવે ચક્કાજામ
હળવદ : પ્રાપ્ત વિગતો મુજબ ખાનગી વીજ કંપની દ્વારા કચ્છના લાકડિયાથી વડોદરા વચ્ચે હેવી વીજભાર વહન કરતી વીજલાઇન પસાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં હળવદ સહિતના વિવિધ ગામોમાં કંપનીના માણસો દ્વારા જમીન સંપાદનની કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જ ખેડૂતોનો ઉભો પાક લહેરાતો હોવા છતાં વીજપોલ નાખવામાં આવી રહ્યા હોવાથી ખેડૂતો દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરથી લઇ સ્થાનિક કક્ષાએ લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. છતાં પણ કંપનીના માણસોની દાદાગીરી યથાવત રહેતા આજે ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આજે સવારે ૧૧ વાગ્યા બાદ હળવદ અને આસપાસના વિસ્તારમાંથી એકત્રિત થયેલા ખેડુતોએ હાઇવે ઉપર ચક્કાજામ કરતા ટ્રાફિક જામ સર્જાયો છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં.