વૈશ્વિક મહામારી કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી હળવદ માર્કેટ યાર્ડમાં હરરાજીનું કામ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાની સુઘરતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે હળવદ માર્કેટયાર્ડ ખાતે યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ અને સેક્રેટરી મહેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી જેમાં વેપારી અને એજન્ટો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ યાર્ડમાં હરરાજીનું કામ તા. ૧૪ મેથી ચાલુ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. યાર્ડમાં વિવિધ જણસો લઈને આવતા ખેડૂતોની જણસનો નિકાલ થાય તેમજ હાલ મજૂરો પણ ઓછા હોય જેથી, મર્યાદિત ખેડૂતોને મર્યાદિત જણસી લઈ બોલાવવા નક્કી કરવામાં આવ્યું છે. તમામ ખેડૂતએ માર્કેટ યાર્ડમાં હરરાજીથી માલ વેચવા માટે નોંધણી કરવાની રહેશે. નોંધણી કરવા માટે મોબાઈલ નંબર 90337 21811 ઉપર વોટ્સએપમાં HI લખીને મોકલવાથી લિંક મળશે અને જે તે કમિશન એજન્ટના ત્યાં માલ લઈને જવાનું હોય તે કમિશન એજન્ટ પાસેથી ખેડૂત મિત્રોએ લિંક મેળવી અને વિગત ભરી નોંધણી કરવાની રહેશે. માલ લઇ જવાની તારીખ અને હરરાજીની તારીખ ખેડૂતએ નોંધણીમાં દર્શાવવાની રહેશે અને એ જ તારીખે ખેડુતને યાર્ડમાં પ્રવેશ મળશે. યાર્ડમાં ભીડના થાય તે માટે સોશ્યલ ડિસ્ટન્સનું કડક પાલન કરવાનું રહેશે. તેમજ ખેડૂતોએ સરકારી ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાની શરતે અને વ્યક્તિગત જવાબદારીથી યાર્ડમાં વેચાણ અર્થે આવવાનું રહેશે.