પરિવારજનોએ હાર્ટ એટેકથી મોત થયાનું જણાવ્યું હતું, પીએમ રીપોર્ટમાં ગળાફાંસો થી મોત થયાનું ખુલ્યું:બામણબોરના પ્રેમી સાથે પ્રેમસંબંધ રાખવાની ના પાડવા છતા ફોન ઉપર વાત કરી રહેલી દીકરીની કરી કરપીણ હત્યા.
વાંકાનેરના દીઘલીયા ગામે રહેતી ૧૬ વર્ષીય સગીરાને પ્રેમી સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પાડી હોય તેમ છતાં પ્રેમી સાથે પ્રેમ સંબંધ ચાલુ રાખતા સમાજમાં આબરૂ જવાની લાયમાં તેના માતાપિતા તથા મોટી બહેને ઓશીકાથી મોઢે ડૂમો દઈ હાથથી તથા દુપટ્ટાથી ગળે ટૂંપો દઈ મોત નિપજાવ્યું હતું. હત્યાના આ બનાવમાં સમગ્ર વાંકાનેર પંથકમાં ચકચાર મચી ગયો છે. ત્યારે ચકચારી હત્યાના કેસમાં મૃતક સગીરાના કૌંટુબીક કાકા દ્વારા પોલીસ મથકમાં હત્યારા માતા-પિતા અને બહેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
હત્યા કેસની મળતી માહિતી અનુસાર ગત તા. ૨૬ માર્ચ ની રાત્રીએ વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામમાં રહેતી રીંકલ મહેશભાઇ ગોંડલીયા નામની ૧૬ વર્ષીય સગીરાનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હતું. મૃતક સગીરાના માતા પિતાએ તબીબ સમક્ષ મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું હતું. ત્યારે ડોક્ટરને સગીરાનું મોત શંકાસ્પદ લાગતા મૃતદેહને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેમાં મોતનું કારણ ગળાંફાસો હોવાનું ખુલ્યું હતું.
સગીરાના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં મોકલ્યાના બીજે દિવસે મૃતક સગીરાના માતાપિતાના ઘરે તેમના કુટુંબીજનો તથા સગાવ્હાલા ગયા હોય ત્યારે મૃતક સગીરાના મૃત્યુ અંગે વાત કરતા પૂછ્યું કે મૃતકને કઈ નથી થયું તો તેની લાશને ડોક્ટરે પીએમ માટે કેમ રાજકોટ મોકલી ત્યારે મૃતક સગીરાના માતા-પિતા એકદમ ગભરાઈ ગયા અને રડતા રડતા કહ્યું કે મૃતક રિંકલને બામણબોર રહેતા પરિણીત રાહુલ મુકેશભાઈ કાપડિયા નામના યુવક સાથે પ્રેમસંબંધ હોય જે પ્રેમસંબંધના કારણે મૃતક રિંકલની મોટી બહેન હિરલબેનની નણંદ સાથે યુવકના છૂટાછેડા થયા હતા જેથી મૃતક રિંકલને રાહુલ સાથે પ્રેમસંબંધ રાખવાની માતાપિતા દ્વારા ના પાડી સમજાવી હતી કે તારા કારણે ભવિષ્યમાં તારી મોટી બહેનના છુટાછેડા થશે.
માતાપિતા દ્વારા ઘણી સમજાવી છતાંય મૃતક રિંકલ ગત.૨૬/૦૩ના રોજ રાત્રીના ૧ વાગ્યાની આસપાસ પ્રેમી સાથે મોબાઈલમાં વાત કરતી હોય ત્યારે મૃતક રિંકલને તેની માતા દ્વારા પકડી પાડવામાં આવી હતી ત્યારે તેની માતાએ તેનો મોબાઇલ લઇ સીમકાર્ડ કાઢીને ફેંકી દીધું હતું. ત્યારબાદ રાત્રીના ત્રણ-સાડાત્રણની આસપાસ રિંકલના માતા-પિતા તથા બહેન દ્વારા રિંકલના હાથ પગ પકડી તેને ઓશીકા વડે તેમજ હાથથી અને દુપટ્ટાથી ગળેફાસો દઈ મોતને ઘાટ ઉતારી દીધાનું જણાવ્યુ હતું.
સગીરાની હત્યા કર્યાનું તેના માતા પિતા દ્વારા જણાવતા દીઘલીયા ગામમાં જ રહેતા કુટુંબીક ભાઈ દિનેશભાઇ ગૌરીદાસ ગોંડલીયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી સુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા(માતા), મહેશભાઈ રવીરામભાઈ ગોંડલીયા(પિતા)તથા હિરલબેન મહેશભાઈ ગોંડલીયા(બહેન) વિરુદ્ધ હત્યા અંગેની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ત્રણ આરોપીઓ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરવાની કમીરી હાથ ધરી છે.