રાજ્ય સરકારની કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત 23 નવેમ્બરથી ધો.9થી 12ની શાળાઓ અને કોલેજો ખુલશે
છેલ્લા 6 માસ જેટલા સમયથી શિક્ષણથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આવતી 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓ અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્ય સરકારની કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રી ભપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે ધોરણ ૯થી ૧૨ના વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે. જ્યારે કોલેજ કક્ષાએ શરૂઆતમાં મેડિકલ, પેરામેડિકલ અને પીજીના વર્ગો શરૂ થશે. અંડર ગ્રેજ્યુએશનમાં માત્ર ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓના વર્ગો શરૂ થશે. આ દરમ્યાન કોલેજમાં હાજરી ફરજિયાત નહીં રહે. જો કે ધોરણ 1થી 8ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય હવે પછી લેવાશે એવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે.
શિક્ષણ મંત્રીની જાહેરાત બાદ મોરબીમાં મહિનાઓથી બંધ પડેલી શાળાઓ પુનઃ ધમધમતી થશે. શાળાઓ શરૂ કરતાં પહેલાં સ્વચ્છતા અને સેનેટાઇઝેશન સહિતની કામગીરી કરવાની રહેશે. હાલ પૂરતું કોચિંગ કલાસ અને કોમ્પ્યુટર કલાસ શરૂ કરવા અંગે જો કે વધુ ખુલાસો થયો નથી.