Thursday, December 26, 2024
HomeGujaratમુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કરાયા મહત્વના નિર્ણયો

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કરાયા મહત્વના નિર્ણયો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાશનાથન, અગ્રસચિવ ડૉ. જયંતી રવિ તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટીની મિટિંગમાં અત્યંત મહત્વના નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમના ડોક્ટરો પોતાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકશે. આગામી તા. ૧૫મી જુન સુધી તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમને કૉવિડના દર્દીઓની સારવાર કરવાની રાજ્ય સરકારે મંજુરી આપી છે. કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે તેમણે કોઇ પણ જાતની મંજુરી મેળવવાની રહેશે નહીં અને જે-તે કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરને આ બાબતની જાણ કરવાની રહેશે.

- Advertisement -
- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બીજા મહત્વના નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તજજ્ઞ ડોક્ટરો માટે માસિક રૂ. ૨.૫ લાખ, મેડિકલ ઓફિસરો માટે માસિક રૂ. ૧.૨૫ લાખ, ડેન્ટલ ડોકટરો માટે માસિક રૂ. ૪૦ હજાર, આયુષ ડોક્ટર્સ અને હોમિયોપેથી ડૉક્ટર્સ માટે માસિક રૂ. ૩૫ હજાર, જુનિયર ફાર્માસિસ્ટ/લેબ ટેકનિશિયન/ એક્સ-રે ટેકનિશિયન અને ઇ.સી.જી. ટેકનિશિયન માટે માસિક રૂ. ૧૮ હજાર અને વર્ગ ૪ના કર્મચારીઓ માટે માસિક રૂ. ૧૫ હજારના માનદ વેતનથી ૩ માસ માટે નવી નિમણુક કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ૧૫ મી માર્ચ ૨૦૨૧ની આસપાસ ગુજરાતની તમામ હોસ્પિટલોમાં કૉરોનાના દર્દીઓ માટે ૪૧ હજાર જેટલા બેડ હતા. જેની સંખ્યા વધારીને આજે લગભગ ૭૮ હજાર જેટલી કરવામાં આવી છે. પરંતુ વધતા જતા સંક્રમણ અને વધતા જતા કેસોને કારણે આ વ્યવસ્થા પણ અપૂરતી બની રહી છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઇને કોર કમિટીની મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમના ડોક્ટરો પોતાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને મેડીકલ અને પેરામેડીકલના વિવિધ સંવર્ગના કર્મીઓને દર્દીઓની સેવામાં રાજ્ય સરકારના પ્રયત્નોમાં સહભાગી થવા જલદીથી જોડાઇ જવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઇને દર્દીઓને સારી સેવા આપી શકાય તે માટે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફની નિમણુક માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે.

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મેડિકલ ઓફીસર્સ, ડેન્ટલ ડોક્ટર્સ, આયુષ ડોક્ટર્સ, હોમિયોપેથી ડોક્ટર્સ તેમજ જુનિયર ફાર્માસિસ્ટ/લેબ ટેકનિશિયન/ એક્સ-રે ટેકનિશિયન અને ઇ.સી.જી. ટેકનિશિયનની આકર્ષક માનદ વેતન સાથે નિમણૂકો કરાઇ રહી છે. એ જ રીતે સરકારી હોસ્પિટલોમાં માનદ સેવા આપી રહેલા મેડીકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, લેબ-ટેક અને વર્ગ-૪ના સ્ટાફને આગામી ત્રણ મહીના માટે વધું પ્રોત્સાહક વેતન આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે, સરકારી હોસ્પિટલોમાં વર્ગ-3ની કક્ષામાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ સ્ટાફ નર્સના હાલ મળતા પગારમાં વધારો કરીને ૩ માસ માટે માસિક રૂ. ૨૦,૦૦૦નું માનદ વેતન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નવી ભરતીમાં દાખલ થનાર નર્સ બહેનો-ભાઇઓને પણ આ જ પ્રમાણે માનદ વેતન આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, હાલ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવતાં આવા એડહોક ડોક્ટરો, નર્સો, ફાર્માસિસ્ટ, ટેકનિશિયન તેમજ વર્ગ-૪ના કર્મચારીઓને પણ આ જ પ્રકારે મે,જુન અને જુલાઇ એમ ૩ માસ માટે માનદ વેતન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં આવેલી આર્મી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કચ્છ, જામનગર, અમદાવાદ અને વડોદરામાં આર્મી હોસ્પિટલો છે. ગુજરાતની આર્મી હોસ્પિટલો કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ માટે ભારત સરકારે પણ આહવાન કર્યું હતું. આવતીકાલે આ સંદર્ભે આર્મીના અધિકારીઓ સાથે ગુજરાતના અધિકારીઓ બેઠક કરી રહ્યા છે. ગુજરાતમાં વધુ ને વધુ બેડ પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નોમાં આ એક મહત્વનું પગલું સાબિત થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!