મોરબી તાલુકાના આમરણ (બેલા) ગામે ગાયના ઝાડ ખાઈ જવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા ઝઘડો થયો હતો જેમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી.
જેમાં બેલા(આમરણ) ગામે રહેતા દેવભાઈ લાખાભાઈ ખીટ એ ચાર શખ્સો હર્ષિત નાનજીભાઈ અઘેરા, નાનજીભાઈ હિરજીભાઈ અઘેરા, કાળુભાઇ કરશનભાઈ પટેલ અને સુંદરજીભાઈ અઘેરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આમરણ (બેલા) ના બસ સ્ટેન્ડ પાસે આવેલ પૂનમ પાન પાસે રખડતી ગાય ઝાડ ખાતી હોય જેથી દુકાનના માલિક અને આરોપી હર્ષિત એ ભરવાડ સમાજ વિશે જેમ તેમ બોલી અને ભરવાડો જ ગાયોને રખડતી મૂકી દયે છે એવું કહેતા ફરિયાદી એ પોતાના સમાજ વિશે આવું બોલતા અટકાવતા આરોપી હર્ષિત નાનજીભાઈ અઘેરા અને આરોપી નાનજીભાઈ હિરજીભાઈ અઘેરા ઢીકાપાટુંનો માર માર્યો હતો બાદમાં ફરીથી હર્ષિત, કાળુંભાઈ અને સુંદરજીભાઈ અઘેરા નામના આરોપીઓ બેલા ગામે સમાધાન કરવા આવેલા હતા જ્યાં મામલો ઉગ્ર બનતા મારા મારી થઈ હતી અને આરોપી કાળુભાઇ એ ફરિયાદી પર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોચાડી હતી ફરિયાદીની સાથે રહેલા બે વ્યક્તિને પણ ઈજાઓ પહોચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામાપક્ષે હર્ષિતભાઈ નાનજીભાઈ અઘેરા એ ચાર શખ્સો દેવભાઈ લાખાભાઈ ખીંટ, લાલજીભાઈ દેવભાઈ ખીંટ, રાજુભાઇ દેવાભાઈ ખીંટ અને યોગેશભાઈ દેવાભાઈ ખીંટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આમરણ બસ સ્ટેન્ડ પાસે આવેલ તેમની પૂનમ પાન ની દુકાન પાસે વાવેલ ઝાડ ગાય ખાતી હોય જેથી તેને હાંકી કાઢવા માટે રસ્તે જતા માણસને હાકલ મારી હતી જે આરોપી દેવાભાઈ ખીંટ ને ગમ્યું ન હતું અને ફરિયાદી અને નાનજીભાઈ સાથે ઝઘડો કરી માથામાં ઈંટ મારી સામાન્ય ઇજા પહોંચાડી હતી અને આરોપી લાલજીભાઈ દેવભાઈ ખીંટ એ લોખંડના સરિયા વડે હુમલો કર્યો હતો બાદમાં ફરિયાદી બેલા ગામે સમાધાન કરવા જતાં આરોપીઓને ગાળો આપી ઢીકાપાટુ નો માર મારી મારી નાંખવાની ધમકી આપી હતી.
જેથી મોરબી તાલુકા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.