હળવદમાં નવા વર્ષનાં દિવસે જ અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. જેમાં રૂપિયાની લેતી-દેતી મામલે ત્રણ ઈસમોએ યુવકને માર મારી મારી નાખવાની ધમકી આપી તથા તેના મિત્ર પર પણ હુમલો કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદનાં નવા અમરાપર ખાતે રહેતા જેરામભાઇ ચકુભાઇ બાલાસણીયા પાસે રમેશભાઇ ચંદુભાઇ બાલાસણીયાને અગાઉ ના લેણા રૂપીયા લેવાના નીકળતા હોય જેની માંગણી કરતા ફરિયાદીએ લાભ પાંચમ પછી આપવાનુ કહેતા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપેલ અને વીજયભાઇ પ્રવીણભાઇ બાલાસણીયાએ ધોકા તથા જાપટથી ફરિયાદીને મુંઢ માર મારેલ તેમજ રમેશભાઇ ચંદુભાઇ બાલાસણીયાએ પણ ધોકાથી ફરિયાદીને મુંઢ માર મારેલ તેમજ રૂખડભાઇ બાજુભાઇ બાલાસણીયાએ ફરિયાદીને જાલી રાખી ગાળો આપેલ અને ફરિયાદીનો દીકરો વીનોદ આવી જતા ત્રણેય ને વિગતવાર સમજાવતા જતા રહેલ અને જતા જતા ફરિયાદીને મારી નાખવાની ધમકી આપેલ હતી. તેમજ સાહેદ વિક્રમભાઇને કેનાલ પાસે બથમબથી કરી ડાબા ઢીચણે ધોકાથી મુંઢમાર મારેલ હતો. જે સમગ્ર મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.