હળવદમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ જગ્યામાં વૃધ્ધે મકાન બનાવ્યું હતું. જેમાં અમુક ઈસમોએ કબ્જો કરી લઈ મકાન ખાલી નહી કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદનાં રણમલપુર ખાતે રહેતા મૂળ અમદાવાદના કોઠાવાલા વોળાની ચાલી, ગોમતીપુરનાં રહેવાસી કરશનભાઈ પુંજાભાઈ રાઠોડને આજથી ૨૫ વર્ષ પૂર્વે સરકાર દ્વારા મળેલ રણમલપુર ગામતળ પ્લોટ નં.૩૬ જેના ૮૩.૬૧ ના ક્ષેત્રફળ વાળી જમીનમાં તેઓ મકાન બનાવ્યું હતુ. જે બનાવેલ મકાન સંપુર્ણ પણે ઈરાદાપુર્વક, ગેરકાયદેસર રીતે કબજો કરી હાલે પણ કબ્જો ચાલુ રાખી મકાનમાં કાનજીભાઈ પુંજાભાઈ રાઠોડ (રહે.રણમલપુર તા.હળવદ જી.મોરબી) નામના આરોપી રહી ઉપભોગ કરી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી પ્લોટમાં બનાવેલ મકાન પચાવી પાડતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. જે સમગ્ર મામલે પોલીસે આરોપીની અટકાયત કરી છે.